ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બનાવવાની જાહેરાત કરી છે. સ્મૃતિ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય મહિલા ક્રિકેટમાં એક મહત્વપૂર્ણ ખેલાડી રહી છે, અને તેણે તમામ ફોર્મેટમાં ટીમની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. એક અનુભવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હોવાના નાતે, તેણે ડોમેસ્ટિક અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પણ પોતાની નેતૃત્વ ક્ષમતા દર્શાવી છે. તાજેતરમાં જ તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 2024 અને 2026માં વિમેન્સ પ્રીમિયર લીગનો ખિતાબ જીતાડ્યો છે. 2013થી ભારતીય ટીમનો હિસ્સો રહેલી સ્મૃતિ પાસે આ ભૂમિકા માટે ઘણો અનુભવ છે.
હવે તે ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે, કારણ કે ટીમ એક નવા યુગમાં પ્રવેશ કરી રહી છે, અને તાજેતરના વર્ષોમાં થયેલી પ્રગતિને આગળ ધપાવી રહી છે. જોકે હવે તે ફૂલ-ટાઇમ વ્હાઇટ-બોલ કેપ્ટન બનશે, પરંતુ સ્મૃતિ અગાઉ પણ 18 T20I અને 4 ODI મેચોમાં ભારતની કેપ્ટનશીપ કરી ચૂકી છે. પોતાની નિમણૂક પર સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, ‘ભારતની કેપ્ટન તરીકે જવાબદારી મળવી એ ખૂબ જ ખાસ સન્માન છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે હંમેશા ખૂબ મહત્વનું રહ્યું છે, અને હવે ટીમનું નેતૃત્વ કરવાની તક મળવી મારા માટે અતિ મૂલ્યવાન છે. હું BCCI, સિલેક્ટર્સ, મારા સાથી ખેલાડીઓ અને મારી આ સફરમાં સાથ આપનારા તથા મારા પર વિશ્વાસ મૂકનારા તમામ લોકોની આભારી છું.’ સ્મૃતિએ કહ્યું કે, ‘હું હરમનપ્રીત અને કેપ્ટન તરીકેના તેમના યોગદાનને પણ યાદ કરવા માંગુ છું.
તેમણે ખૂબ જ સમર્પણ સાથે ટીમનું નેતૃત્વ કર્યું છે, અને અમારી આ સફરનો એક મહત્વનો ભાગ રહ્યા છે. હું આ જવાબદારીને સારી રીતે સમજું છું અને ટીમ સાથે કામ કરવા, સાથે મળીને શીખવા અને ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે મારું સર્વશ્રેષ્ઠ આપવા ઉત્સાહિત છું.’ BCCI પ્રમુખ મિસ્ટર મિથુન મન્હાસે જણાવ્યું હતું કે, ‘હું સ્મૃતિને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાની મળવા બદલ અભિનંદન આપું છું. તે ઘણા વર્ષોથી ભારતીય ક્રિકેટનો મહત્વનો હિસ્સો રહી છે, અને તેણે હંમેશા આગળ વધીને ટીમને લીડ કરવાના ગુણો દર્શાવ્યા છે. આ જવાબદારી સંભાળતી વખતે તેનો અનુભવ અને રમતની સમજ ખૂબ કામ આવશે.
BCCI ને સ્મૃતિ પર પૂરો વિશ્વાસ છે અને મને ખાતરી છે કે, તે આ ભૂમિકાને તે જ પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિકતા સાથે નિભાવશે, જે તેણે તેની સમગ્ર કારકિર્દીમાં દર્શાવી છે. BCCI તરફથી, હું તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે, તે આ નવી સફરમાં ટીમને આગળ લઈ જશે.'(સૌજન્ય)




