ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આજે વહેલી સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં ભયનો માહોલ સર્જાયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અહેવાલ મુજબ ત્રણેય દેશોમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1થી 4.9ની વચ્ચે નોંધાઈ હતી. પાકિસ્તાનમાં સવારે 4:56 વાગ્યે સૌથી વધુ 4.9 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ ચીનમાં સવારે 6:05 વાગ્યે 4.4ની તીવ્રતાનો અને અફઘાનિસ્તાનમાં સવારે 5:54 વાગ્યે 4.1 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ આંચકા જમીનથી 15 થી 25 કિલોમીટરની ઊંડાઈએ સર્જાયા હતા. બીજી તરફ, તિબેટ ક્ષેત્રમાં ગુરુવારે સાંજે આવેલા 7ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી છે. આ હોનારતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 54થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે.
ઉત્તરીય ક્ષેત્રના નાગકૂ શહેરમાં ભૂકંપના કારણે 339થી વધુ મકાનો અને 20થી વધુ પશુ શેડ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા છે. બચાવ અને રાહત કામગીરી માટે સ્થાનિક તંત્ર દ્વારા 1600થી વધુ લોકોને તૈનાત કરવામાં આવ્યા છે અને અસરગ્રસ્તો માટે તંબુ, ફોલ્ડિંગ બેડ અને ગરમ કપડાં પહોંચાડવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે. ભૂકંપના પરિણામે તિબેટના અનેક વિસ્તારોમાં વીજળી અને સંદેશાવ્યવહાર સર્વિસ ઠપ થઈ ગઈ છે, તેમજ ભૂસ્ખલનના કારણે નેશનલ હાઇવે 317નો એક મોટો હિસ્સો વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે. રેલવે વિભાગ દ્વારા સાવચેતીરૂપે આ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી આ ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં હિમવર્ષાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી બચાવ કામગીરીમાં વધુ વિઘ્ન આવવાની શક્યતા છે. છેલ્લાં પાંચ વર્ષમાં તિબેટ ક્ષેત્રમાં આવેલો આ સૌથી મોટો અને વિનાશક ભૂકંપ ગણાવાઈ રહ્યો છે.(સૌજન્ય)




