આગામી તહેવારોની સીઝનમાં દેશમાં ખાંડનો પૂરતો પુરવઠો જળવાઈ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર, ટેરિફ રેટ ક્વોટા હેઠળ 10 લાખ ટન ખાંડની વિના મૂલ્યે આયાત કરવા માટેની સમયમર્યાદા લંબાવીને 31 ડિસેમ્બર, 2026 સુધી કરી દેવામાં આવી છે. અગાઉ સરકારે 20 ઓગસ્ટે 10 લાખ ટન ખાંડ આયાત કરવાની મંજૂરી 31 ઓક્ટોબર સુધી માટે આપી હતી, જેની મુદત હવે વધારવામાં આવી છે ઈન્ડસ્ટ્રીના આંકડા અનુસાર, 10 લાખ ટનની મંજૂરી સામે અત્યાર સુધીમાં માત્ર 2.6 લાખ ટન ખાંડની જ આયાત થઈ શકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજાર વચ્ચેના ભાવમાં તફાવત હોવાને કારણે આયાત ધીમી રહી છે.
સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પણ વૈશ્વિક બજારમાં ભાવ ઘટે અને આયાત ફાયદાકારક બને, ત્યારે વેપારીઓ સરળતાથી ખાંડ દેશમાં લાવી શકે. સ્થાનિક બજારમાં ખાંડની અછત ન સર્જાય અને સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ ન પડે તે માટે સરકારે આયાતની સાથે અન્ય કડક પગલાં પણ લીધા છે. જેમાં વેપારીઓ પર સ્ટોક લિમિટ (સ્ટોક રાખવાની મર્યાદા) લાદવાનો સમાવેશ થાય છે. આ પગલાંથી ખાંડની સંગ્રહખોરી રોકી શકાશે અને બજારમાં સતત પુરવઠો જળવાઈ રહેશે, જેથી ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળી રહેશે.
માર્કેટિંગ વર્ષ 2025-26 માટે દેશમાં ખાંડનું ઉત્પાદન 306 લાખ ટન રહેવાનો નવો અંદાજ મૂકવામાં આવ્યો છે. જે અગાઉના 343 લાખ ટનના અંદાજ કરતાં ઓછું છે. જોકે, દેશમાં ખાંડની વાર્ષિક સ્થાનિક વપરાશ કે માંગ લગભગ 280થી 285 લાખ ટન જેટલી રહે છે. ઉત્પાદનમાં ઘટાડો થવા છતાં માંગ કરતાં ઉત્પાદન વધુ હોવાથી અને સરકારી આગોતરા આયોજનને કારણે દેશમાં ખાંડની કોઈ અછત સર્જાશે નહીં.(સૌજન્ય)




