જામનગર-લાલપુર ધોરી માર્ગ પર હરીપર ગામના પાટીયા પાસે પુરપાટ વેગે આવી રહેલી ખાનગી બસના ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલક હરીપર ગામના આધેડનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજયું હતું. જોકે પોતાની પુત્રીના લગ્નની કંકોત્રી સગા વહાલાઓને આપીને પરત આવતી વખતે આ ગોઝારો અકસ્માત નડયો હતો. જેથી ભારે કરુણાંતિકા સર્જાઈ છે. આ બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના હરીપર ગામમાં રહેતા વીસાભાઈ રૈયાભાઈ બાંભવા નામના 55 વર્ષના પ્રૌઢ ગતરોજ પોતાનું બાઈક લઈને જામનગર લાલપુર રોડ પર હરીપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક વિશાભાઈને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હતી અને તેઓનું સ્થળ પરજ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર કડવાભાઈ વિશાભાઈએ લાલપુર પોલીસ મથકમાં ખાનગી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. મૃતક વિશાભાઈની પુત્રીના લગ્ન યોજવાના હોવાથી તેની કંકોત્રી આપવા માટે પોતાના સગા વહાલાઓને ત્યાં ગયા હતા અને કંકોત્રી આપીને પોતાના ઘેર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન આ ગોઝારો અકસ્માત નડયો હતો. જેથી મૃતકના પરિવારમાં ભારે કરુણાન્તિકા છવાઈ છે. અકસ્માત અંગે લાલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.




