મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ તાલુકાનાં પોખરણ ગામની સીમમાં નેશનલ હાઈવે પર સોનગઢથી વ્યારા જતાં ટ્રેક પર હોટલ ગ્રાન્ડ તુલસી સામેથી વગર પાસ પરમિટે મહારાષ્ટ્રથી રૂપિયા 1.54 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત ખાતે લઈ જતાં બે ઈસમો ઝડપાયા હતા, જયારે એક વોન્ટેડ છે. મળતી માહિતી મુજબ, તાપી પોલીસ સ્ટાફના માણસોને શનિવારના રોજ સવારનાં સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરનો પીકઅપ ટેમ્પો જેના આગળ પાછળના ભાગે ગુજરાતીમાં જય શ્રી ચામુંડા લખેલ છે તેમાં બે ઈસમો મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર ખાતેથી કાંદાની ગુણોની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી નંદુરબારથી નવાપુર અને ત્યાંથી નીકળી સોનગઢ થઈ સુરત તરફ જનાર છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ પોખરણ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 53 પર સોનગઢથી વ્યારા જતા ટ્રેક પર હોટલ ગ્રાન્ડ તુલસી સામે અલગ અલગ ટીમો બનાવી વોચમાં હતા તે દરમિયાન સોનગઢ તરફથી બાતમીવાળો પીકઅપ ટેમ્પો નંબર GJ/04/AW/2819 આવતા જોઈ પોલીસે આયોજનપૂર્વક અને ખાનગી વાહનોની આડાશથી ટેમ્પો ચાલકને રોડની સાઈડમાં હોટલ ગ્રાન્ડ તુલસીના પાર્કિંગવાળી જગ્યાએ સાઈડમાં ઉભો રખાવ્યો હતો ત્યારબાદ પોલીસે ટેમ્પોમાં સવાર ટેમ્પો ચાલકને તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, મોશીન યાસીન શેખ (રહે.અમરોલી, સુરત)ના હોવાનું જણાવ્યું હતું અને તેની બાજુમાં બેસેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ ગોપાલ નંદલાલ રાઠોડ (રહે.નંદુરબાર, મહારાષ્ટ્ર)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે પીકઅપ ટેમ્પોમાં કાંદાની ગુનો ભરેલ હોય જે ગુણો ખસેડી જોતા તેના નીચેના ભાગે અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ વિસ્કી અને બિયરના પુઠ્ઠાના કુલ 60 બોક્ષ મળી આવ્યા હતા અને એ બોક્ષમાં સીલબંધ નાની મોટી બોટલ અને ટીન મળી કુલ 1860 નંગ બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનાર મનસુખભાઈ (રહે.કીમ, સુરત)નાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આમ, પોલીસે ટેમ્પો જેની કિંમત રૂપિયા 3 લાખ, 17 નંગ કાંદાની ગુણો જેની કિંમત રૂપિયા 3,400/-, દારૂની બોટલો જેની કિંમત રૂપિયા 1,54,800/- 2 નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 6,000/- મળી કુલ રૂપિયા 4,64,200/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલા બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.




