Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં 75 વર્ષીય વૃદ્ધની બેન્ડવાજા અને આતશબાજી સાથે અંતિમ યાત્રા નીકળી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં 75 વર્ષીય નવઘણભાઈ ચૌહાણ પરિવાર સાથે રહેતા હતા. બે માસ પૂર્વે તેમના મોટા ભાઈ અને રાજસ્થાની ભજનિક ભીખાભાઈ ચૌહાણનું અવસાન થયું હતું. બાદમાં નવઘણભાઈ મોટા ભાઈના અવસાનનો આઘાત સહન કરી ન શકતાં બીમારીમાં પટકાયા હતા અને ગત મોડીરાત્રે પોતાના ઘરે જ અંતિમ શ્વાસ લીધો હતો. આજે સવારે સમાજ દ્વારા તેમની બેન્ડવાજા અને ભારે આતશબાજી સાથે ભવ્ય અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં પરિવારજનો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

નવઘણભાઈની અંતિમયાત્રામાં જોડાયેલા સમાજના અગ્રણી મનોજભાઈએ જણાવ્યું હતું કે નવઘણભાઈ અને તેમના મોટા ભાઈ ભીખાભાઈ ચૌહાણ સમાજ માટે એક પ્રેરણારૂપ હતા. બંને ભાઈઓએ સમાજ માટે અનેક કાર્યો કર્યાં હતાં. એ કાર્યોને સમાજ ક્યારેય ભૂલી શકે એમ નથી. સમાજના અગ્રણીઓએ એમ પણ જણાવ્યું હતું કે બંને ભાઈ સ્વ. ભીખાભાઈ ચૌહાણ અને સ્વ. નવઘણભાઈ ચૌહાણ વચ્ચે રામ-લક્ષ્મણ જેવો પ્રેમ હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને ભાઈઓ રોજ સાથે જ બેસીને જમતા હતા અને એકબીજાની હૂંફ બનીને દિવસો પસાર કરતા હતા, પરંતુ બે માસ પૂર્વે મોટા ભાઈ ભીખાભાઈનું અવસાન થયા બાદ નવઘણભાઈ તેમના અવસાનનો આઘાત સહન કરી શક્યા નહોતા. સતત તેમને યાદ કરીને દિવસો પસાર કરી રહ્યા હતા, જેના કારણે તેમની તબિયત બગડતાં ઘરમાં જ આરામ કરી રહ્યા હતા અને મોડીરાત્રે પોતાના પરિવારને અંતિમ વિદાય આપીને મોટા ભાઈના માર્ગે નીકળી પડ્યા હતા.

આજે તેમના ઘરઆગણેથી વાજતેગાજતે અને આતશબાજી સાથે નીકળેલી અંતિમયાત્રા ફતેપુરા, ભૂતડીઝાપા થઈ કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં પહોંચી હતી, જ્યાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. બેન્ડવાજા સાથે નીકળેલી અંતિમયાત્રા જોઈ સૌકોઈ દંગ રહી ગયા હતા. લગ્નનો વરઘોડો નીકળ્યો હોય એ રીતે અંતિમયાત્રા નીકળતાં લોકો માર્ગો ઉપર જોવા ઊભા થઈ ગયા હતા અને મનોમન સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.