આદિવાસી સમાજના કુળદેવી યાહા મોગી પાંડુરી માતાના મંદિર દેવમોગરા ખાતે પ્રતિવર્ષ શિવરાત્રીના દિવસથી પાંચ દિવસીય પરંપરાગત ભાતીગળ મેળાનો પ્રારંભ થાય છે. આ મેળા દરમિયાન દર્શનાર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ વર્ષે તા.૮મી માર્ચ શિવરાત્રીથી શરૂ થયેલો મેળો પાંચ દિવસ સુધી યોજાતા તા.૧૨મી માર્ચના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે. આ મેળામાં શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં યાહા મોગી માતાના દરબારમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સાર્વજનિક દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટના સહિયારા પ્રયાસોથી મેળામાં આવતા શ્રદ્ધાળુઓને સુરક્ષા વ્યવસ્થા સહિત તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્વૈચ્છિક સંસ્થાઓ, સેવાભાવી દાતાશ્રીઓ દ્વારા પણ શ્રદ્ધાળુઓ માટેની ભોજનથી લઈને અલગ અલગ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. આ પાંચ દિવસીય મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી રાજપીપલાના કર્મયોગીઓ દ્વારા મેળામાં આવતા શ્રદ્ધાળુઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી મળી રહે તેવા શુભ આશય સાથે નાયબ માહિતી નિયામકના માર્ગદર્શન હેઠળ સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું.




