Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીના આયોજન અંગે નર્મદા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આગામી તા.૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં બંને વિધાનસભા વિસ્તાર મુજબ નાંદોદ અને દેડિયાપાડા ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા પ્રતિ વર્ષ ૯ મી, ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેને અનુલક્ષીને રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ અને તેના તાલુકાઓમાં આ દિવસ ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેના અનુસંધાને નર્મદા જિલ્લામાં તા. ૯ મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૪નાં કાર્યક્રમોનું આયોજન નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના કેમ્પસમાં અને દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં આદર્શ નિવાસી શાળા-દેડિયાપાડા કેમ્પસ ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે.

કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં કલેક્ટરએ સંબંધિત વિભાગોને “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીની પૂર્વ તૈયારી કરીને આ દિવસે આદિજાતિ વિસ્તારમાંથી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થી, કલાકાર, રમતવીરો, આદિજાતિ ખેડૂતોનું સન્માન, વિવિધ યોજનાના લાભાર્થીઓને એસેટ-પ્રમાણપત્ર વિતરણ, લોકાર્પણ, ખાતમુહૂર્ત જેવી કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સ્થાનિક પધાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજણી કરે તે જોવા સૌને આહવાન કર્યું હતું.