દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટી કાર્યવાહી કરી છે. પ્રતિબંધિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી લીધી છે. આરોપી પર આ વર્ષે એપ્રિલ મહિનામાં પંજાબના બટાલા સ્થિત કિલા લાલ સિંહ પોલીસ સ્ટેશન પર થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ધરપરકડ ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
ધરપકડ કરવામાં આવેલા યુવકની ઓળખ 22 વર્ષીય કરણબીર ઉર્ફે કરણ તરીકે થઈ છે, જે પંજાબના અમૃતસર જિલ્લાના ચનાનકે ગામનો રહેવાસી છે. તેની 26 જુલાઈએ ગુરદાસપુરથી ધરપકડ કરવામાં આવી છે. કરણબીરની વિરૂદ્ધ દિલ્હી સ્પેશિયલ સેલ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેને પંજાબમાં થયેલા ગ્રેનેડ હુમલામાં પોતાની સંડોવણી હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો છે.સ્પેશિયલ સેલના ડીસીપી અમિત કૌશિકે જણાવ્યું કે આ એજ કેસ છે, જેની તપાસ હાલમાં NIA કરી રહી છે. 7 એપ્રિલે બટાલાના કિલા લાલા સિંહ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. જેને બીકેઆઈના આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેસમાં પુરાવો તે સમયે મળ્યો જ્યારે 22 જુલાઈએ મધ્યપ્રદેશના ઈન્દોરથી એક અન્ય આરોપી આકાશદીપ ઉર્ફે બજની ધરપકડ કરવામાં આવી. પોલીસની તપાસમાં આકાશદીપે ગ્રેનેડ હુમલામાં પોતાની ભૂમિકાની કબૂલાત કરી અને સોશિયલ મીડિયા દ્વારા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા અન્ય નામનો પણ ખુલાસો કર્યો. આ હુમલાની જવાબદારી લેવાની એક સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી હતી.




