કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક રાંધણગેસ ગ્રાહકો માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ૧લી ઓક્ટોબર ૨૦૨૬થી સબસીડીવાળા રાંધણગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવવા માટે બાયોમેટ્રિક કે આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરેલું હોવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પૂરી કરવા માટે આજે છેલ્લો દિવસ છે. જો કોઈ ગ્રાહક આ સમયમર્યાદામાં આધાર ચકાસણી એટલે કે ઈ-કેવાયસી નહીં કરાવે, તો તેમને સબસીડીનો લાભ મળતો બંધ થઈ જશે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કડક પગલું લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સાચા અને જરૂરિયાતમંદ પરિવારો સુધી જ સબસીડી પહોંચાડવાનો છે.
દેશમાં ઘરગથ્થુ ઉપયોગ માટે અપાતા સબસીડીવાળા સિલિન્ડરનો વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં થતો ગેરકાયદેસર વપરાશ અટકાવવા, બોગસ તથા એકથી વધુ કનેક્શન રદ કરવા અને વિતરણ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવી આ નિર્ણયનો મુખ્ય હેતુ છે. જો ગ્રાહકો સમયમર્યાદામાં ઇ-કેવાયસી નહીં કરાવે તો તેમને પૂરા બજાર ભાવે સિલિન્ડર ખરીદવો પડશે. સપ્ટેમ્બર 2026ના આંકડા મુજબ પ્રતિ સિલિન્ડર આશરે રૂ. 210 જેટલી સબસીડી અપાય છે, જે અગાઉ રૂ. 721 સુધી પહોંચી હતી. આધાર વગર ગ્રાહકોને 14.2 કિલોનો સિલિન્ડર બજાર કિંમતે ખરીદવો પડશે, જેના કારણે સામાન્ય ગ્રાહકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.(સૌજન્ય)




