ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતમાં મોંઘવારીનો માર તેજ બન્યો છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારા બાદ હવે CNGનાં ભાવમાં પણ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં CNGની કિંમત 77.09 રૂપિયાથી વધીને હવે 79.09 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સ્થિતિ સમાન છે. 
આ સુધારા બાદ હવે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીનો નવો ભાવ વધીને 84 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. CNGના ભાવમાં થયેલો આ વધારો સીધી રીતે જાહેર પરિવહન સેવાઓને અસર કરશે. અત્યારે મોટાભાગની બસો, ઓટોરિક્ષા અને ટેક્સીઓ સીએનજી પર ચાલે છે, જેના કારણે દૈનિક મુસાફરી કરતા લોકોના ખિસ્સા પર આર્થિક બોજ વધશે. આગામી દિવસોમાં આ વધારાને પગલે જાહેર પરિવહનના ભાડામાં પણ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.



