સુરત જિલ્લાનાં મોટાવરાછા ખાતે રહેતી ગર્ભવતી મહિલાની ખાનગી હોસ્પિટલમાં સિઝરીયન પ્રસૃતિ કરતા મૃત બાળકીને જન્મ થયો હતો. જોકે બાળકીના કાન પાસે ઇજા નિશાન દેખાયા હોવાથી બાળકીનો મૃતદેહ લઇને પરિવારજનો હોસ્પિટલ જઇને હોબાળો મચાવ્યો હતો. જોકો ડોકટરની બેદકારીથી બાળકીના મોત થયા હોવાના આક્ષેપ તેના પરિવારે કર્યા હતા. સ્મીમેર અને પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ, મોટાવરાછામાં સુમન નિવાસ આવાસમાં રહેતી 24 વર્ષીય ગર્ભવતી લક્ષ્મીદેવી દિનેશ કનોજીયા ગત તારીખ 15મી સાંજે પ્રસૂતિની પીડા થતા ઉત્રાણમાં સિલ્વર બિઝનેસ પોઇન્ટ ખાતેની પવાસીયા હોસ્પિટલમાં દાખલ કરી હતી.
ત્યાં સિઝરીયન કરતા મૃત હાલતમાં શિશુ જન્મ્યાનું ડોકટરે પરિવારને જણાવ્યું હતું. નવજાતનો મૃતદેહ કાપડમાં વીંટાળીને પરિવારને સોંપી દેવાયો હતો. જોકે બાળકીનો અંતિમ સંસ્કાર માટેની વિધી માટે મૃત બાળા પરથી કપડું ખસેડયું ત્યારે તેનો ડાબી બાજુ કાન કપાઇ ગયેલો હોય તેવા નિશાન મળતા મૃતદેહ સાથે પરિવારજનો અન સબંધીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ડોકટરની બેદરકારીથી બાળાનું મોત થયાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. ડોકટરના ઓપરેશનના સાધન બાળાને કાન પાસે વાગતા મોત થયાનો આક્ષેપ કર્યો હતો.
આક્ષેપો અંગે જાણવા માટે પવાસિયા હોસ્પિટલમાં ચારથી પાંચ વાર ફોન કરવા છતા પ્રતિસાદ મળ્યો નહોતો. દરમિયાન પોલીસે પહોંચીને મામલો થાળે પાડયા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેમા ડોકટરે મૃત હાલતમા શિશુનો જન્મ થયાનું જણાવ્યું હતું. કાન પાસે ઇજાના નિશાન સામાન્ય હતા. દિનેશભાઇ સંચાખાતામાં કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્ર છે. બનાવ અંગે ઉત્રાણ પોલીસે વધુ કર્યાવાહી હાથ ધરી હતી.




