આણંદ નગરપાલિકા દ્વારા ટેક્ષના નાણાંના બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અવારનવાર નોટિસો આપવા છતાં પણ વેરો ભરપાઈ કરવામાં પાછી પાની કરતા 11 મિલકતધારકો સામે કડક વલણ અપનાવી મિલકતોને સીલ કર્યા હતા. આણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ મિલકત ધરાવતા મિલકતધારકોના અંદાજે રૂપિયા 14 કરોડની ટેક્ષ વસૂલાત બાકી પડે છે.
વેરા ભરપાઈ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા અગાઉ અનેકવાર રાહત સાથે વિવિધ યોજના અમલમાં મુકવામાં આવી હોવા છતાં કેટલાક મિલકતધારકો દ્વારા બાકી પડતા વેરા ભરવામાં આળશ દાખવવામાં આવી હતી. જેને લઈ પાલિકા તંત્ર દ્વારા ૭૦૦થી વધુ મિલકત ધારકોને નોટિસો પાઠવવામાં આવી છે. અવારનવાર નોટિસો પાઠવ્યા છતાં મિલકતધારકો દ્વારા ટેક્ષ ભરપાઈ ન કરવામાં આવતા પાલિકા તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વેરા વસૂલાત માટે આકરુ વલણ અપનાવવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં કુલ 11 મિલકતોને સીલ મારવામાં આવ્યું છે. જોકે શુક્રવારે શહેરના જૂના રામજી મંદિર નજીક આવેલા શ્રીરામ પ્લાઝાની દુકાનને સીલ કરવામાં આવી હતી. તેમજ ગામડી વડ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના કોમ્પલેક્ષની દુકાનોને પણ સીલ મારવામાં આવ્યું હતું. આણંદ નગરપાલિકાના ટેક્ષ વિભાગ કચેરી સૂત્રોના જણાવ્યા મુજબ, પાલિકામાં રૂપિયા 14 કરોડ જેટલા બાકી પડતા ટેક્ષ વસૂલાત માટે સીલ મારવાની કામગીરી અપનાવવામાં આવનાર છે.




