Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઈબોલા વાઈરસનાં કારણે ફ્લાઈટ્સ દ્વારા ભારતમાં આવતા તમામ પ્રવાસીઓ માટે કેટલાક નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હાલ વિશ્વમાં ઈબોલા વાઈરસના વધતા સંકટ અને પબ્લિક હેલ્થ ઈમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના વહીવટી તંત્ર દ્વારા તમામ એરલાઈન્સ અને સંબંધિત અધિકારીઓ માટે  આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય હિત અને જનઆરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ દ્વારા ભારતમાં આવતા તમામ પ્રવાસીઓ માટે કેટલાક નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ પર ઈબોલા વાઈરસના સંક્રમણને રોકવા અને તકેદારીના ભાગરૂપે નીચે મુજબના મહત્વના પગલાં તાત્કાલિક અસરથી લાગુ કરવાના રહેશે. DGCAની માર્ગદર્શિકા હેઠળ આવતી તમામ એરલાઈન્સે દરેક રૂટના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો પાસે ‘સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ’ ફરજિયાત પણે ભરાવવાનું રહેશે. આ પ્રક્રિયાનો હેતુ દેશમાં સંક્રમણના સંભવિત જોખમને રોકવાનો છે.

એરપોર્ટ પર ભીડ ઓછી કરવા અને ઈબોલા વાઈરસના ફેલાવાના જોખમને ઘટાડવા માટે, ફ્લાઈટના આગમન પહેલાં જ પ્લેનની અંદર સ્વાસ્થ્યના નિયમો અને SDF ફોર્મ ભરવા અંગેની તમામ સત્તાવાર જાહેરાતો પૂર્ણ કરી લેવાની રહેશે. એરપોર્ટના અરાઈવલ એરિયામાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ 24 કલાક ફરજ પર તૈનાત રહેશે. કોઈ પણ પ્રકારના ગેરવહીવટના કારણે મુસાફરો કે હેલ્થ વર્કર્સ પર સંક્રમણનું જોખમ ન ઊભું થાય તે માટે ચેપ નિયંત્રણના નિયમો અને એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા આગામી સમયમાં ‘એર સુવિધા’ પોર્ટલ ફરીથી કાર્યરત કરવામાં આવી શકે છે. જ્યાં સુધી આ ડિજિટલ પોર્ટલ શરૂ ન થાય, ત્યાં સુધી તમામ મુસાફરોએ નિયમ મુજબ મેન્યુઅલી ફોર્મ ભરવાની પ્રક્રિયા સખત રીતે ચાલુ રાખવાની રહેશે.

જે એરલાઇન્સ DGCAના એનેક્સર-1 હેઠળ નથી આવતી, તેમણે પણ મુસાફરોના ટ્રેસિંગ માટે ફ્લાઇટના આગમન પહેલાં SDF ફોર્મ એકત્રિત કરવા પડશે. ખાસ કરીને કેટેગરી-1, કેટેગરી-2, અથવા કેટેગરી-3ના મુસાફરો તેમજ ઇબોલાનું જોખમ ધરાવતા મુસાફરો માટે આ ફોર્મ ફરજિયાત રહેશે. આ પત્ર દ્વારા એરપોર્ટ ઓથોરિટી અને તમામ સબંધીત એરલાઈન્સ કંપનીઓને તાકીદ કરવામાં આવી છે કે જનઆરોગ્યની સુરક્ષાના આ મહત્વપૂર્ણ સમયગાળામાં કોઈપણ ક્ષતિ વિના તમામ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે.

ઇબોલા એ ઓર્થોઇબોલા વાઇરસ પરિવારનો એક અત્યંત ઘાતક અને જીવલેણ જૂનોટિક ચેપ છે. શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે, જેમાં દર્દીને તીવ્ર તાવ આવવો, શરીરમાં નબળાઈ અને થાક લાગવો, માથાનો દુખાવો, ગળામાં ખરાશ તેમજ સ્નાયુઓ અને સાંધામાં અસહ્ય દુખાવો થવો સામેલ છે. સ્થિતિ વધુ બગડે ત્યારે દર્દીને ઉલટી અને ઝાડાની સમસ્યા થાય છે. આ બીમારીનું સૌથી મુખ્ય અને વિશિષ્ટ લક્ષણ એ છે કે તેમાં કોઈ પણ દેખીતા કારણ વગર દર્દીના શરીરના આંતરિક અને બાહ્ય અંગોમાંથી લોહી વહેવા લાગે છે.

ઇબોલા વાઇરસ હવામાંથી ફેલાતો નથી, પરંતુ તે સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે, સંક્રમિત દર્દીના લોહી, લાળ, પરસેવો, આંસુ, ઉલટી, મળ અથવા માતાના દૂધના સીધા સંપર્કમાં આવવાથી આ ચેપ લાગે છે. વાઇરસથી દૂષિત થયેલા કપડાં, પથારી, ધાબળા કે અન્ય કોઈ સપાટીને અડવાથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે. ઇબોલાના કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના શવના સીધા સંપર્કમાં આવવાથી પણ આ વાઇરસ અન્ય લોકોમાં ઝડપથી ટ્રાન્સફર થાય છે.