Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ડીસામાં માતાએ પુત્રને ઘરમાં જ સાંકળથી બાંધી છ માસથી બંધક બનાવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતના ડીસા શહેરમાં એક મહિલાનો પતિ નવેક માસ અગાઉ ઘર છોડીને ભાગી જતા તેનો 13 વર્ષનો પુત્ર પણ ઘર છોડી નાસી જશે તેવી દહેશતથી માતાએ પુત્રને ઘરમાં જ સાંકળથી બાંધી છ માસથી બંધક બનાવ્યો હતો. ડીસાના સેવાભાવી યુવકોના ગ્રુપને જાણ થતા પોલીસ અને બાળ સુરક્ષા એકમને બોલાવી કિશોરને મુક્ત કર્યો હતો. જો કે છ માસથી બંધક રહેવાના કારણે માનસિક સ્થિતિ બગડી જતા તેને સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો.

માઁ તે માઁ બીજા બધા વગડાના વા” આ કહેવત માતાના સંતાનો પ્રત્યેના વાત્સલ્ય અને પ્રેમને ઉજાગર કરે છે. ત્યારે ડીસામાં એક માતાએ પોતાનો વહાલો દીકરો પોતાનાથી દૂર ન થઈ જાય તેવી દહેશતથી તેને ઘરમાં જ પુરીને સાંકળથી બાંધી બંધક બનાવી આંધળું વાત્સલ્ય દર્શાવ્યું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. ડીસા શહેરના હીરા બજાર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ટાટરીયા (ખત્રી) કોઈ કારણસર તેમની પત્ની અને 13 વર્ષના પુત્ર મંથનને છોડીને ઘરેથી જતા રહ્યા હતા.

ત્યારબાદ આજ દિન સુધી પરત આવ્યા નથી.પત્નીને પુત્ર મંથન પણ ઘરેથી નાસી જશે તેવી દહેશતના કારણે તેમની માનસિક સ્થિતિ બગડવા લાગી હતી. જેથી મંથનને તેની માતાએ ઘરમાં જ રૂમમાં પૂરી દઈ સાંકળથી બાંધી દીધો હતો. અને તેને બારીમાંથી જમવાનું આપતી હતી જ્યારે રૂમને અને ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી દીધું હતું. મંથનને મળમૂત્ર ત્યાગ કરવા પણ બહાર ન જવા દેતા તે રૂમમાં જ મળમૂત્ર ત્યાગ કરતો હતો. આમ છ માસથી માતાએ પુત્રને બંધક બનાવતા તેની માનસિક હાલત પણ ખરાબ થઈ ગઈ હતી.

આ બાબતની જાણ પાડોશીઓને થતા તેઓએ ડીસાના સેવાભાવી યુવકોનું ગ્રુપ સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપને કરતા યુવકોએ મંથનને ઘરમાંથી બહાર કાઢી મંથનને નવડાવી ધોવડાવી ફ્રેશ કરી તેની માતાને સમજાવી હતી. જોકે તેની માતાએ ફરીથી તેને બંધક બનાવી દેતા સેવન સ્ટાર ગ્રુપના સભ્યોએ આ બાબતે પોલીસ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ કરતા અધિકારીઓએ આવી મંથનને ફરીથી મુક્ત કરાવી પાલનપુર લઈ ગયા હતા. આ અંગે જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓના જણાવ્યા મુજબ લાંબો સમય સુધી બંધક રહેવાના કારણે મંથનની માનસિક સ્થિતિ ખૂબ જ બગડી ગઈ છે જેથી તેના રિપોર્ટ કરાવી ગાંધીનગર ખાતે ઈલાજ માટે મોકલવામાં આવશે.