મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના નવું ઢોડિયાવાડ ઉકાઈ ડાબા કાઠા નહેરના કિનારે રૂપિયાની લેતી દેતી મામલે ચાર મિત્રોએ મળી એક મિત્રને મારમારી ઈજા પહોંચાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારાના નાની ચીખલી ગામના દાદરી ફળિયામાં રહેતા સુનિલભાઈ વિરસીંગભાઈ ગામીત નાંઓ ગત તારીખ 02/02/2024નાં રોજ રાત્રીનાં સમયે તેમના ચાર મિત્રો જેમાં જીજ્ઞેશભાઈ ઉર્ફે જીગો મહેશભાઈ ચૌધરી, બકુલભાઈ અનિલભાઈ ઢોડિયા, દેવાંગભાઈ જગદીશભાઈ ઢોડિયા અને જયભાઈ અરૂણભાઈ ઢોડિયા (તમામ રહે.નવું ઢોડિયાવાડ, વ્યારા)નાંઓ સાથે કાર નંબર GJ/26/N/4835માં બેસી નવું ઢોડિયાવાડ ઉકાઈ ડાબા કાઠા નહેરના કિનારે ગયેલ હતા અને ત્યાં જીજ્ઞેશભાઈ ઉર્ફે જીગો નાંએ 4,500/- રૂપિયાની માંગણી કરી હતી જે સુનીલભાઈએ આપવાના હતા.
જોકે ત્યાં હાજર ચારેય મિત્રો જીજ્ઞેશ ઉર્ફે જીગો, બકુલ, દેવાંગ અને જય નાંઓ બધા મળી એકાએક સુનીલભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને બકુલે લાકડીથી મને પીઠના ભાગે સપાટા મારેલ હતા તેમજ જીજ્ઞેશ ઉર્ફે જીગો નાઓએ પાઈપથી જમણા હાથ ઉપર તથા જાંગનાં ભાગે સપાટો મારેલ તથા ડાબી આંખના ભાગે અને ગાલ ઉપર મુક્કાથી માર મારેલ અને દેવાંગ તથા જય નાઓ સુનીલભાઈનાં પેટનાં ભાગે તેમજ મોઢાના ભાગે ઢીકમુક્કીનો માર મારતા હતા તે સમયે સુનીલભાઈનાં મિત્ર ગૌરવભાઈ તથા સતીશભાઈ તેમજ બીજા મિત્રો સ્થળ ઉપર આવી પહોંચતા વધુ મારથી બચાવ્યો હતો અને તે સમયે જીજ્ઞેશ ઉર્ફે જીગો નાંએ કહ્યું હતું કે, આ વખતે તો તું બચી ગયો છે પરંતુ બીજી વખત તને જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી. બનાવ અંગે સુનિલભાઈ ગામીત નાંએ તારીખ 03/02/2024નાં રોજ વ્યારા પોલીસ મથકે ચારેય ઈસમો સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




