દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની તપાસમાં આરોપી રાજેશ ખિમજીની વિચિત્ર દલીલો સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પૂછપરછ દરમિયાન વારંવાર એવી વાર્તાઓ જણાવી રહ્યો છે, જે તપાસને ભટકાવાની અને અવળાપાટે ચડાવાની કોશિશ જેવી લાગે છે. પોલીસ મુજબ, રાજેશે જણાવ્યું કે તે શિવ મંદિરો બનાવીને પૂજા કરે છે. તેનો દાવો છે કે સુપ્રીમ કોર્ટના એક આદેશ પછી તેને શિવલિંગમાં ભગવાન શિવના ભૈરવ સ્વરૂપના દર્શન થયા. રાજેશના કહેવા મુજબ, ભૈરવ સ્વરૂપમાં આવેલ શ્વાને તેને દિલ્હી જઈને પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો આદેશ આપ્યો.
પોલીસ સૂત્રો મુજબ, રાજેશ સોમવારે પોતાના ઘરેથી ઉજ્જૈન પહોંચ્યો, જ્યાં ફરી ભૈરવ સ્વરૂપમાં આવેલા શ્વાને તેને દિલ્હી જવા કહ્યું. ત્યારબાદ તે વગર ટિકિટે ટ્રેનમાં બેસી નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચ્યો. ત્યાંથી તેણે કોઇ અજાણ્યા માણસથી મુખ્યમંત્રી રેખા ગુપ્તાના ઘરનું એડ્રેસ પૂછ્યું અને મેટ્રો દ્વારા રવાના થયો. જોકે, તે ખોટા સ્ટેશન પર ઊતરી ગયો અને બાદમાં રસ્તામાં મળેલા લોકોને પૂછતાં રિક્ષા દ્વારા મુખ્યમંત્રીના ખાનગી નિવાસસ્થાન પહોંચ્યો. રિક્ષાવાળાને તેણે 50 રુપિયા આપ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન રાજેશે જણાવ્યું કે તે મુખ્યમંત્રીને અપીલ કરવા આવ્યો હતો કે દિલ્હીમાં રહેતાં શ્વાનને બહાર ન કાઢવામાં આવે. રાજેશે દાવો કર્યો કે મુખ્યમંત્રીએ તેની વાત સાંભળી નહીં, જેને લીધે ગુસ્સામાં આવીને તેણે હુમલો કરી દીધો.રાજેશનું કહેવું છે કે તે માત્ર પોતાની સમસ્યા જણાવીને સાંજની ટ્રેનથી પાછો ગુજરાત જવાનો હતો. તપાસમાં વધુ એક વિગત સામે આવી છે કે રાજેશ મે 2025માં અયોધ્યા પણ ગયો હતો, જ્યાં એક મુદ્દે ધરણા દરમિયાન સિક્યોરિટી ગાર્ડ્સે તેની મારામારી થઇ હતી.
પોલીસ હવે મનોવિજ્ઞાનીઓની મદદ લેશે? : હાલમાં, દિલ્હીની પોલીસ રાજેશની પૂછપરછ કરી રહી છે અને તપાસી રહી છે કે આ હુમલો કોઇ ઉદ્દેશ્ય હેઠળ કરવામાં આવ્યો હતો કે પછી આ માત્ર એક વ્યક્તિની માનસિક વિક્ષિપ્તતા અથવા વિચારશૂન્ય પ્રવૃત્તિ હતી. પોલીસનું કહેવું છે કે આરોપીના નિવેદનોમાં ઘણી વખત અસંગત અને કલ્પિત વાતો જોવા મળી રહી છે, તેથી માનસિક આરોગ્ય વિશેષજ્ઞોની મદદ લેવાઈ શકે છે.



