જામનગર જિલ્લામાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. દિવસ દરમિયાન લોકો કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે બપોર પછી કાલાવડ તાલુકાનાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. 
મળતી માહિતી અનુસાર, કાલાવડ તાલુકાના જશાપર અને વાવડી સહિતના આસપાસના ગ્રામ્ય પંથકોમાં ગતરોજ બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસવાનું શરૂ થયું હતું. લાંબા સમયથી ગરમી સહન કરી રહેલા સ્થાનિક નાગરિકોને આ વરસાદી માહોલના કારણે ગરમીમાંથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં તાજગી પ્રસરી ગઈ છે. એક તરફ સામાન્ય જનતાને ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ આ અણધાર્યા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે. જેથી પાકને નુકસાનની ભીતિ પણ છે. ચાલુ સીઝન દરમિયાન ખેતરમાં ઊભેલા પાકને આ માવઠાના કારણે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાને કારણે ખેતીના ચાલુ કામકાજ પર માઠી અસર પડી છે, જેના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.



