મોરબીનાં ટંકારા તાલુકાનાં સરાયા ગામની સીમમાં વાડીમાં ખેતમજૂરી કરતા એક પરપ્રાંતીય શ્રમિક દંપતી વચ્ચે આડાસંબંધની શંકાના આધારે થયેલા ઉગ્ર ઝઘડાએ લોહીયાળ સ્વરૂપ લીધું હતું. પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકા રાખી રોષે ભરાયેલા પતિએ માથાના ભાગે ઈંટના ઘા મારી પત્નીની ઘાતકી હત્યા કરી હતી.
બાદમાં પસ્તાવો થતાં પોતે પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 
આવેશમાં આવી ગયેલા લક્ષ્મણે ઉશ્કેરાઈ જઈને નજીકમાં પડેલી ઈંટ ઉપાડી પત્ની રૂકમાંબેનના માથાના ભાગે ઉપરાછાપરી મારી દીધી હતી. માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે અને વધુ પડતું લોહી વહી જવાને લીધે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘાતકી હત્યા બાદ આરોપી પતિ લક્ષ્મણે જાતે જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ ટંકારા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સાથે આરોપી પતિને પોલીસ બંદોબસ્ત હેઠળ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.



