Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદ શહેરમાં નકલી સિગારેટ, ઘી, ચા અને મસાલા સહિતની વસ્તુઓનું વેચાણ કરતા ત્રણ ઈસમો પકડાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ શહેરના જાણીતી કંપનીઓના પેકિંગ અને લોગોની આબેહૂબ નકલ કરી ગ્રાહકોને નકલી સામાન પધરાવી આર્થિક લાભ ખાટતી ટોળકી સક્રિય થઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એસ.જી. હાઇવે પર આવેલ સોલા ભાગવત ગેટ નજીકથી નકલી સિગારેટ, ઘી, ચા અને મસાલા સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા. કોપીરાઇટ એક્ટના ભંગ બદલ પોલીસે આ ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, બેંગ્લોર સ્થિત એક ઓથોરાઇઝ્ડ એજન્સીના અધિકારીને અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીની નકલી સિગારેટ વેચાતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એજન્સીના અધિકારીએ ડમી ગ્રાહક બનીને નકલી સામાન વેચતા શખસનો સંપર્ક કર્યો હતો અને મોટા જથ્થામાં માલ ખરીદવાના બહાને તેને સોલા ભાગવત ગેટ પાસે બોલાવ્યો હતો.

આ દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે ઘટનાસ્થળે વોચ ગોઠવી દીધી હતી. ત્યાં કાર લઇને પહોંચેલા ત્રણ ઈસમોને અરુણકુમાર ગુપ્તા, સચિન ગુપ્તા અને સુજીત પોદ્દારને પોલીસે ઘેરી લીધા હતા. કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી માત્ર નકલી સિગારેટ જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી અનેક જાણીતી બ્રાન્ડ્સનો નકલી જથ્થો મળી આવ્યો હતો.  આમ, પોલીસે આરોપીઓ પાસેથી સિગારેટના 44 મોટા પેકેટ, અમૂલ ઘીના 15 પાઉચ, ચાના 12 પેકેટ, ડીટર્જન્ટના 14 પેકેટ અને મસાલાના 60 પેકેટ, બીડીના 15 પેકેટ સહિત કુલ મુદ્દામાલ 3,09,197 રૂપિયાનો સામન જપ્ત કર્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર સુજીત પોદ્દારે કબૂલાત કરી હતી કે, તે અલગ-અલગ સ્થાનો પરથી સસ્તા ભાવે આ ડુપ્લિકેટ માલ ખરીદી લાવતો હતો. ત્યારબાદ અરુણ અને સચિન મારફતે આ સામાન બજારમાં છૂટક ગ્રાહકો તથા નાના દુકાનદારોને ઓરિજિનલ ભાવે પધરાવી દેવામાં આવતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ACP એ જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી સુજીત છેલ્લા દોઢ વર્ષથી શબ્બીર, પવન સિંધી અને જગદીશ પટેલ નામના શખ્સો પાસેથી વધુ નફાની લાલચમાં આ નકલી માલ લાવતો હતો. અરુણ અને સચિન નામના બે ભાઇઓ ગ્રાહકોની ડિમાન્ડ મુજબ ડિલિવરી પહોંચાડવાનું કામ કરતા હતા. આ નકલી વસ્તુઓનું ઉત્પાદન મોટાભાગે રાજસ્થાનમાં થાય છે અને આ લોકો ફેરિયાઓ મારફતે આર્થિક રીતે નબળા વિસ્તારોની નાની દુકાનોમાં આ માલ ઓરિજિનલ ભાવે પધરાવી દેતા હતા. હાલમાં પોલીસે કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો નોંધીને ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી.