તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

ડુમસમાં હાઇપ્રોફાઇલ બર્થડે પાર્ટી પર પોલીસનો દરોડો: ૮ મહિલાઓ સહિત ૨૨ની અટકાયત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત: ડુમસના બાપુજીની વાડી વિસ્તારમાં આવેલા ‘જશ્ન વિલા 12-એ’ ફાર્મ હાઉસમાં 14મી ઓગસ્ટની મોડી રાત્રે ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી ૮ મહિલાઓ અને ૧૪ યુવકો સહિત કુલ ૨૨ લોકોને અટકાયતમાં લીધા હતા.

મળતી માહિતી મુજબ, એક યુવતીના જન્મદિવસની ઉજવણી માટે ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં યુવક-યુવતીઓ લક્ઝરી વાહનોમાં પહોંચ્યા હતા અને ગેમ્સ સહિતની પ્રવૃત્તિઓ સાથે કથિત રીતે વિદેશી દારૂનું સેવન કરી ઉજવણી કરી રહ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઓચિંતી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસના દરોડા દરમિયાન ફાર્મ હાઉસની બહાર દારૂની ખાલી અને ભરેલી બોટલો સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ થયાનો પણ મામલો સામે આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી વ્હિસ્કીની ૧ આખી અને ૫ અર્ધી બોટલ સહિત દારૂ-બિયરના જથ્થા સાથે ૯ લક્ઝરી ફોરવ્હીલ વાહનો અને ૨૪ મોબાઇલ ફોન કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૧.૬૭ કરોડથી વધુ હોવાનું જાણવા મળે છે.અટકાયત કરાયેલા ૨૨ લોકોને મેડિકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે પાર્ટીમાં પહોંચાડ્યો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ ફાર્મ હાઉસના માલિક સહિત સંબંધિત વ્યક્તિઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.