અમદાવાદ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈએ ડિજિટલ એરેસ્ટના મોટા કૌભાંડ સામે દેશવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે. 20 રાજ્યોમાં 89 સ્થળે દરોડા પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. રાજસ્થાન, ગુજરાતના ગાંધીનગર અને કર્ણાટકના ચાર ડિજિટલ એરેસ્ટ કેસમાં આશરે ₹31.36 કરોડની છેતરપિંડી સામે આવી છે.
તપાસમાં ભારતમાં સક્રિય સાઇબર સિન્ડિકેટનું નેટવર્ક કંબોડિયા અને આસપાસના દેશોમાંથી સંચાલિત થતું હોવાની માહિતી સામે આવી છે. આરોપીઓ સરકારી અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગોના લેટરહેડનો ઉપયોગ કરી લોકોને ડરાવતા અને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડની ધમકી આપી નાણાં પડાવતા હોવાનો આક્ષેપ છે.
ગાંધીનગરની મહિલા ડોક્ટર પાસેથી માર્ચથી જુલાઈ 2025 દરમિયાન તબક્કાવાર નાણાં પડાવાયા હતા. આ કેસમાં અગાઉ ગુજરાત CID ક્રાઇમ દ્વારા પણ અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ 35 જેટલા બેન્ક ખાતાઓમાં નાણાં જમા કરાવ્યા હોવાની તપાસમાં વિગતો સામે આવી છે.સીબીઆઈની કાર્યવાહી દરમિયાન ભારતમાંથી વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરાયા હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હવે આ કેસમાં ED દ્વારા મની લોન્ડરિંગની તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે. વિદેશમાં ટ્રાન્સફર થયેલા નાણાંથી ખરીદાયેલી મિલકતો સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.




