કાલાવડ શહેરમાં જૂની અદાવતના કારણે એક શ્રમજીવી પર છરી, ધોકા અને પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતાં ચકચાર મચી હતી. ભત્રીજાને અગાઉ માર મારવાના બનાવને લઈને ચાલતી અદાવતમાં ત્રણ નામજોગ શખ્સો સહિત આશરે પાંચેક અજાણ્યા શખ્સોએ ભેગા મળી હુમલો કર્યાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, કાલાવડના કાશ્મીરપરામાં રહેતા અને મજૂરીકામ કરતા મનોજભાઈ દિનેશભાઈ ચનાભાઈ ગોહિલના ભત્રીજા દિલીપ મનસુખભાઈ ગોહિલ એક અન્ય ધર્મની યુવતીને ભગાડી ગયો હોવાના બનાવ બાદ આરોપી લતીફ ઓસમાણભાઈ સમા અને તેના મિત્રોએ દિલીપને માર માર્યો હતો.
આ બાબતે મનોજભાઈ અને લતીફ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી.
આ જૂની અદાવતનો ખાર રાખીને ગતરોજ રાત્રે ફરિયાદીના રહેણાક મકાનની સામે આવેલી હનુમાનદાદાની ડેરી પાસે હુમલાખોરો એકઠા થયા હતા. તેમજ આરોપી લતીફ ઓસમાણભાઈ સમા, મુનાફ ઉર્ફે મુસાભાઈ હારૂનભાઈ ઓડિયા, સુલતાન શેખ ફકીર અને અન્ય આશરે પાંચેક શખ્સો સાથે મળી કાવતરું રચી ગેરકાયદે મંડળી બનાવી હતી. તેઓ છરી, ધોકા અને પાઇપ જેવાં હથિયારો સાથે સજ્જ થઈ આવ્યા હતા. આરોપી લતીફે મનોજભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે છરી વડે ડાબા ખભાના હાંસડીના ભાગે ઘા ઝીંકતાં બે ટાંકા લેવા પડ્યા હતા.
ત્યારબાદ છરીનો બીજો ઘા જમણા હાથની ટચલી આંગળી તથા તેની બાજુની આંગળીમાં વાગતાં ત્યાં પણ બે-બે ટાંકા આવ્યા હતા. હુમલાથી બચવા ફરિયાદી પોતાના ઘર તરફ દોડ્યા ત્યારે અન્ય શખ્સોએ ધોકા અને પાઇપ વડે પાછળના ભાગે માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત, બેઠકના ભાગે છરીના પાંચ ઘા મારવામાં આવતાં દરેક ઘામાં ત્રણ-ત્રણ ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે મનોજભાઈ ગોહિલની ફરિયાદના આધારે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં લતીફ ઓસમાણભાઈ સમા, મુનાફ ઉર્ફે મુસાભાઈ હારૂનભાઈ ઓડિયા, સુલતાન શેખ ફકીર તથા અન્ય અજાણ્યા શખ્સો સામે હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.(સૌજન્ય)




