Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમેરિકાનાં વિદેશ મંત્રી માર્કો રૂબિયો આગામી દિવસોમાં ભારતની મુલાકાતે આવશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આગામી દિવસોમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આર્થિક રાજધાની મુંબઈની સાથે-સાથે ગુજરાતના જામનગરની પણ મુલાકાત લેવાના છે. બંને દેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવાની સંભાવનાઓ પર ચર્ચા કરવા માટે આ પ્રવાસ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, ભારત આવતા પહેલા માર્કો રૂબિયો ઉઝબેકિસ્તાનના સમરકંદ જશે, જ્યાં તેઓ ‘C5+1 મિનિસ્ટ્રિયલ મીટિંગ’માં ભાગ લેશે. આ પ્લેટફોર્મમાં મધ્ય એશિયાના પાંચ દેશો જેમાં ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વાર્તા યોજ્યા બાદ તેઓ સીધા ભારત આવશે.

તારીખ 17 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર આ પ્રવાસ આ વર્ષે તેમનો બીજો ભારત પ્રવાસ હશે. ગુજરાત અને મુંબઈના પ્રવાસ દરમિયાન માર્કો રૂબિયો ભારતીય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. આ બેઠકોમાં ભારત-અમેરિકા વચ્ચે કમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, આર્થિક સહયોગ અને ખાસ કરીને ઊર્જા સહયોગ વધારવા અંગે વિસ્તૃત મંથન થશે. જામનગર વિશ્વનું રિફાઇનિંગ હબ હોવાથી ઊર્જા અને વ્યાપારી દ્રષ્ટિએ આ મુલાકાતને ખૂબ જ વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે. આ મહત્ત્વપૂર્ણ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ નજીક છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પોતાની ઇમિગ્રેશન નીતિઓને વધુ કડક બનાવી રહી છે.

ભારતીય નાગરિકો માટે વીઝા સંબંધી કેટલાક પડકારોને કારણે બંને દેશો વચ્ચે થોડી તલખી પણ જોવા મળી છે. જોકે, તાજેતરમાં જ ભારતમાં અમેરિકી રાજદૂત સર્જ્યો ગોરે ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા, આઈટી અને હેલ્થકેર ક્ષેત્રે વધી રહેલા સહયોગ પર ભાર મૂક્યો છે. તાજેતરમાં ભારતમાં યોજાયેલી ‘તરંગ શક્તિ’ કવાયત અને રાજસ્થાનમાં F-35 ફાઇટર જેટ્સની તૈનાતી જેવા મુદ્દાઓ બંને દેશોના રક્ષણાત્મક સંબંધોની મજબૂતાઈ દર્શાવે છે. ગુજરાતની ધરતી પર થનારી આ ઉચ્ચસ્તરીય મુલાકાતથી ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા મળવાની પૂરી સંભાવના છે.(સૌજન્ય)