અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે શહેરી આવાસ અને નગર આયોજન ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતને દેશમાં સૌથી વધુ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
ગુજરાતને PMAY (U) 2.0 હેઠળ સૌથી વધુ સુધારાઓ અમલમાં મૂકવા, લાભાર્થી આધારિત બાંધકામ (BLC) આવાસોની મહત્તમ પૂર્ણતા અને ટાઉન પ્લાનિંગ સ્કીમ (TPS) પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી બદલ આ સન્માન મળ્યાં છે.
કેન્દ્રીય શહેરી બાબતોના રાજ્યમંત્રી તોખન સાહુના હસ્તે ગુજરાત વતી શહેરી વિકાસ વિભાગનાં સચિવ રેમ્યા મોહને આ પુરસ્કારો સ્વીકાર્યા હતા.આ સિદ્ધિ અંગે હર્ષ વ્યક્ત કરતાં રાજ્યના શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત શહેરી વિકાસ અને ગરીબ કલ્યાણ ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે.




