વડોદરા: બેંક લોન અપાવવાના નામે નાગરિકો સાથે રૂ. 23.67 લાખની છેતરપિંડી કરવાના બે અલગ-અલગ કેસમાં વડોદરા સાયબર ક્રાઇમે દિલ્હીના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓને વડોદરા લાવી વધુ તપાસ હાથ ધરી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ જીતેન્દ્રકુમાર લાલચંદ્ર મૌર્ય (29), મૂળ નોઈડા અને અભિષેકકુમાર વિમલકુમાર, પૂર્વ દિલ્હીના રહેવાસી તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ઓફિસ જેવો સેટઅપ ઊભો કરી ટેલિકોલર્સ મારફતે છેતરપિંડી કરવામાં આવતી હતી.પોલીસે આરોપીઓ પાસેથી સાત મોબાઇલ ફોન, બે લેપટોપ, બે રાઉટર, છ સિમકાર્ડ, બે પાસબુક અને એક ચેકબુક જપ્ત કરી છે. આ ગુનામાં અન્ય લોકોની સંડોવણી અને છેતરપિંડીની સમગ્ર પદ્ધતિ અંગે વધુ તપાસ ચાલી રહી છે. ( Courtesy)




