ગાંધીનગરઃ ગુજરાત સરકારના સાહસ ગુજરાત એનર્જી લિમિટેડ (GEL) અને જીએસપીએલ ટ્રાન્સમિશન લિમિટેડ (GTL) દ્વારા નાણાકીય વર્ષ 2025-26માં રાજ્ય સરકારને કુલ રૂ. 384.67 કરોડનું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું છે. રાજ્ય સરકારની કોઈ પણ કંપની દ્વારા એક જ નાણાકીય વર્ષમાં ચૂકવાયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ છે.
ગુજરાત ગેસ લિમિટેડ અને GSPC જૂથની કંપનીઓમાં અમલમાં મૂકાયેલી સ્કીમ ઓફ એરેન્જમેન્ટ બાદ રાજ્ય સરકારની બંને કંપનીઓમાં ભાગીદારી વધી છે. અગાઉ ગુજરાત ગેસ લિમિટેડમાં સરકારનું શેરહોલ્ડિંગ આશરે 6 ટકા હતું, જે વધીને લગભગ 38 ટકા થયું છે. GTLમાં પણ સરકારનું આશરે 38 ટકા શેરહોલ્ડિંગ થયું છે.
આ ફેરફારની અસર ડિવિડન્ડની આવકમાં જોવા મળી છે. વર્ષ 2022-23થી 2024-25 દરમિયાન ગુજરાત ગેસ લિમિટેડે રાજ્ય સરકારને કુલ આશરે રૂ. 81.55 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું, જ્યારે 2025-26માં GELએ એક જ વર્ષમાં રૂ. 324 કરોડ ચૂકવ્યા છે. આ રકમ રાજ્યની આવકમાં વધારો કરવા ઉપરાંત વિકાસ અને જનકલ્યાણનાં કાર્યો માટે ઉપયોગી બનશે.




