ભારતમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો સપ્ટેમ્બરમાં વધીને ૧૧.૩૯ ટકા થઇ ગયો છે. જે ઓગસ્ટમાં ૯.૯૨ ટકા હતો તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. સપ્ટેમ્બરમાં જથ્થા બંધ ફુગાવો વધવાનું કારણ ખાદ્યાન્ન વસ્તુઓ, મેન્યુફેકચર્ડ વસ્તુઓ, ઇંધણ અને વીજળીનાં ભાવમાં વધારો છે. ખાદ્યાન્ન વસ્તુઓનાં ઇન્ડેક્સમાં મોંઘવારી દર ઓગસ્ટનાં ૭.૦૫ ટકાથી વધીને સપ્ટેમ્બરમાં ૮.૬૬ ટકા થઇ ગયો છે. મેન્યુફેકચર્ડ વસ્તુઓની બાબતમાં ડબ્લ્યુપીઆઇ ફુગાવાનો દર ૯.૭૬ ટકાનાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. જે ઓગસ્ટમાં ૮.૩૭ ટકા હતો. ઇંધણ અને વીજળી બાસ્કેટમાં જથ્થાબંધ ભાવાંક સૂચકઆંક આધારિત મોંઘવારી દર સપ્ટેમ્બરમાં ૨૫.૮૫ ટકા રહ્યો હતો.

જે ગયા મહિને ૨૨.૯૩ ટકા હતો. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે ડબ્લ્યુપીઆઇ ડેટા જારી કરતા જણાવ્યું છે કે, સપ્ટેમ્બરમાં મિનરલ ઓઇલ, ખાવા-પીવાની વસ્તુઓ, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, કોલસો અને લિગ્નાઇટ, બેઝિક મેટલ, કેમિકલ અને કેમિકલ ઉત્પાદન, ટેક્સટાઇલ, રબર અને પ્લાસ્ટિક ઉત્પાદન તથા ઇલેક્ટ્રિકલ ઉત્પાદનનાં ભાવધારાથી જથ્થા બંધ ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી છે. ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી જ ડબ્લ્યુપીઆઇમાં વધારાનું વલણ જોવા મળી રહ્યું છે. તેનું કારણ પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને તેના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંદી છે.(સૌજન્ય)




