Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સામાન લઈ જવા બદલ રૂપિયાની લાંચ લેતાં બસ ચાલક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર એ.સી.બી. દ્વારા દહેગામ ડેપોમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને બસનો ચાલક વીરપુર ખાતે સામાન લઈ જવા રૂપિયા 150ની લાંચ લેતા ઝડપાઈ જતાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. ગાંધીનગર એ.સી.બી.ને ફરિયાદ મળી હતી કે, દહેગામ એસ.ટી. ડેપો ખાતે આવતી જતી લાંબા રૂટની બસોમાં સામાન એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ચાલકો દ્વારા રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. આ ફરિયાદને પગલે ગાંધીનગર એ.સી.બી.નાં નિયામકના સુપરવિઝન હેઠળ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર એ.સી.બી.નાં પી.આઇ., દ્વારા આ ડીકોય કરવામાં આવી હતી.

જેમાં મોડાસાથી સોમનાથ જતી બસ આવી પહોંચતા ડીકોયરને બસના ડ્રાઇવર પાસે મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ અગાઉથી નક્કી થયા મુજબ ડીકોયરે રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે પાર્સલ લઈ જવાની વાતચીત કરતાં ડ્રાઈવરે દોઢસો રૂપિયાની માંગણી કરી હતી. જે લાંચની રકમ સ્વીકારતા જ અગાઉથી મુસાફરોના સ્વાંગમાં રહેલી એસીબીની ટીમે ડ્રાઇવરને રંગેહાથ ઝડપી લીધો હતો. જેની પૂછપરછમાં તેણે પોતાનું નામ કનુભાઇ મોગાભાઇ વણકર હોવાનું જણાવી પોતાની નોકરી મોડાસા એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકેની હોવાની કબૂલાત કરી હતી. એ.સી.બી. દ્વારા તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એસ.ટી. નિગમમાં આ પ્રકારની લાંચની પ્રવૃત્તિ બહાર આવતા અન્ય ડ્રાઇવર કંડક્ટરોમાં પણ દોડધામ મચી ગઈ હતી.