Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાજ્યમાં આચારસંહિતા ભંગ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ માટે કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે. મતદારોને EPIC કાર્ડ સમયસર મળી જાય તે માટે જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે. તેમજ કોઈપણ મતદારને મત આપવા માટે સમસ્યા ન સર્જાય તે માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશો આપી દેવામાં આવ્યા છે. નવા ઓળખકાર્ડ-EPIC માટે અરજી કરનારા મતદારોને સમયસર EPIC કાર્ડ મળી જાય તેની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે એમ જણાવતાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ઉમેર્યું હતું કે, EPIC કાર્ડ ન હોય તો પણ ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા અન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજને આધારે મતદાન કરી શકાશે.

પરંતુ, આ માટે મતદાર યાદીમાં નામ હોવું અનિવાર્ય છે. આથી, તેમણે તમામ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અનુરોધ કર્યો હતો. તા.16/03/2024થી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 1,60,718 તથા ખાનગી મિલકતો પરથી કુલ 58,697 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ-135(C) હેઠળ મતદાન વિસ્તારમાં મતદાન પૂરૂ થવાના નિર્ધારિત કલાક સાથે પુરા થતા 48 કલાકના સમયગાળા દરમિયાન દારૂ કે તેના જેવા નશાકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જેના પગલે રાજ્યના સમગ્ર વિસ્તારમાં મતદાનનો સમય પુરો થવાના કલાકની સાથે પુરા થતા 48 કલાકનો સમય અને મતગણતરીનો દિવસ એટલે કે તા.04/06/2024ના દિવસે ‘ડ્રાય ડે’ જાહેર કરવા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા નશાબંધી અને આબકારી નિયામકને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ મર્યાદા જળવાઈ રહે અને પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અટકે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.1.16 કરોડ રોકડ, રૂ. 7.37 કરોડની કિંમતનો 1.94 લાખ લીટર કરતાં વધુ દારૂ, રૂ. 11.44 કરોડની કિંમતનું 18.48 કિલો સોનું અને ચાંદી, રૂ.14 લાખની કિંમતનું 52.26 કિલો ચરસ અને ગાંજો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ.22.50 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.