સુરત: સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામની સીમમાં આવેલા હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડી ગાયના ઘીના નામે કથિત રીતે ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનો પર્દાફાશ કર્યો છે. ‘કૈવલ ફૂડ પ્રોડક્ટ’ના નામે ચાલતી કામગીરીમાં પામ ઓઈલ, વનસ્પતિ ઘી અને સોયાબીન તેલ જેવા પદાર્થોનો ઉપયોગ કરી ‘Shri ANMOL RATNA COW’s GHEE’ નામે ઉત્પાદન કરવામાં આવતું હોવાની પોલીસને માહિતી મળી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આ મામલે અંકિતકુમાર રાજેશકુમાર મોદી (ઉં.વ. 32) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ડેરી પ્રોડક્ટના લાયસન્સની આડમાં કથિત રીતે ભેળસેળયુક્ત પદાર્થોનું ઉત્પાદન, પેકિંગ અને વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે.
દરોડા દરમિયાન પોલીસને પામ ઓઈલ અને વનસ્પતિ તેલનો જથ્થો, ‘Shri ANMOL RATNA COW’s GHEE’ના લેબલ-સ્ટીકર, ડબ્બા, પાઉચ સહિતની પેકિંગ સામગ્રી મળી આવી હતી. ઉપરાંત ફિલિંગ મશીન, પાઉચ પેકિંગ મશીન, પ્રિન્ટિંગ મશીન તથા કોમર્શિયલ ગેસના બાટલા સહિતનો સાધન-સામાન પણ કબજે કરવામાં આવ્યો હતો.
LCBની કાર્યવાહીમાં કુલ રૂ. 52,79,761નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ગાયના ઘીના નામે અન્ય તેલ-ચરબીયુક્ત પદાર્થોનું મિશ્રણ કરી વેચાણ કરાયું હોવાનો આક્ષેપ ગ્રાહકોના વિશ્વાસ અને ખાદ્ય સુરક્ષા બંને દૃષ્ટિએ ગંભીર છે. ખાસ કરીને ધાર્મિક તથા આરોગ્યલક્ષી ઉપયોગ માટે ગાયનું ઘી ખરીદતા ગ્રાહકોને જો હકીકતથી અજાણ રાખવામાં આવ્યા હોય તો મામલો વધુ ગંભીર બની શકે છે.
પોલીસ દ્વારા જપ્ત કરાયેલા નમૂનાઓની ફૂડ સેફ્ટી સત્તાવાળાઓ મારફતે તપાસ કરાવવામાં આવશે. લેબોરેટરી રિપોર્ટ અને સત્તાવાર તપાસ બાદ જ ભેળસેળ અંગેની હકીકત સ્પષ્ટ થશે. જો આક્ષેપો સાબિત થાય તો જવાબદારો સામે લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી થવાની શક્યતા છે.




