ઉમરગામ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, બોલેરો પીકઅપમાં મહારાષ્ટ્ર તરફથી દારૂનો જથ્થો ભરીને ગુજરાત તરફ લઈ જવામાં આવનાર છે. જેથી પોલીસે ભાઠી કરમબેલી કાચપાડા ફળિયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી પીકઅપ આવતા પોલીસે તેને ઊભી રખાવી તપાસ કરી હતી. આ સમયે અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
જેમાં દારૂની ટીન નંગ ૩,૭૬૮ જેની કિંમત રૂપિયા ૪,૫૦,૦૦૦/- તેમજ પીકઅપની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ કબજે લઈ પોલીસે ટેમ્પોનાં ચાલક મનિષ ઉર્ફે બાલો મિલીન્દ અંધેર (રહે.તલાસરી સુથારપાડા, જિ.પાલઘર,મહારાષ્ટ્ર)ને પકડી પાડયો હતો. પોલીસે આરોપીની અંગઝડતી લેતા એક મોબાઈલ પણ મળી આવ્યો હતો. આમ, પોલીસે કુલ રૂપિયા ૭,૫૫,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે ચાલકને વધુ પૂછપરછ કરતા જથ્થો ભરાવનાર આશિષ રવીન્દ્ર ચોરસીયા (રહે.તલાસરી, મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરી ઉમરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.




