પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન સાત દિવસીય ભાદરવી મહામેળા-2026ની આજે ભાદરવી પૂનમના પાવન પર્વે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. મહામેળાના અંતિમ દિવસે અંબાજી ધામમાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા છે. આજે સવારથી જ નિજ મંદિરમાં ભક્તોની ભવ્ય ભીડ જોવા મળી રહી છે અને સમગ્ર અંબાજી પરિસરમાં ‘જય અંબે’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. ભક્તો માથે ગરબો લઈ ઝૂમતા અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે ભાદરવી પૂનમના દિવસે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પોતાની પરંપરાગત ધજા લાવી માં અંબાના શિખર પર રોહણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મેળા દરમિયાન ખડેપગે સેવા આપનાર વિવિધ સરકારી વિભાગો દ્વારા પણ મંદિરે ધજાઓ અર્પણ કરી પૂજા-અર્ચના સાથે ભાદરવી મહામેળાની અધિકૃત પૂર્ણાહુતિ કરવામાં આવશે. ભાદરવી મહામેળાના છઠ્ઠા દિવસે ૩ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા મેળા દરમિયાન 40 લાખથી વધુ ભક્તોના આગમનની ધારણા રાખવામાં આવી હતી. આજે પૂર્ણાહુતિના અંતિમ દિવસે આ આંકડો અંદાજે 42થી 45 લાખ સુધી પહોંચવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પ્રસાદ વ્યવસ્થા અંતર્ગત છઠ્ઠા દિવસે 2,63,657 પેકેટ અને છઠ્ઠા દિવસમાં કુલ 28.90 લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન આશરે 3,927 શ્રદ્ધાળુઓ અને સંઘો દ્વારા મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક ધજા રોપણ કરવામાં આવ્યું હતું.




