નવી દિલ્હી: દારૂબંધીના અમલથી ઊભી થતી વ્યવહારુ મુશ્કેલીઓ અને તેના સામાજિક-આર્થિક પરિણામો અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે મહારાષ્ટ્ર પોઈઝન રૂલ્સના નિયમ 18A અને 18B રદ કરતી વખતે દારૂબંધી સાથે સંકળાયેલા વિવિધ પડકારો તરફ ધ્યાન દોર્યું હતું.
કોર્ટે ખાસ કરીને આબકારી મહેસૂલમાં ઘટાડો, દારૂબંધીના અમલનો મોટો ખર્ચ, પોલીસ-વહીવટમાં ભ્રષ્ટાચારની શક્યતા, ગેરકાયદેસર અને ઝેરી દારૂના ધંધાને પ્રોત્સાહન તથા અન્ય નશીલા પદાર્થોના વધતા ચલણ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઝેરી દારૂથી બનેલી દુર્ઘટનાઓનો પણ સંદર્ભ આપ્યો હતો.મિથેનોલના દુરુપયોગને રોકવા બનાવાયેલા નિયમો અંગેની સુનાવણી દરમિયાન આ ટિપ્પણીઓ આવી હતી. નોંધનીય છે કે 1991માં મુંબઈમાં મિથેનોલયુક્ત ઝેરી દારૂ પીવાથી 93 લોકોનાં મોત થયા હતા.




