પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન અને ઐતિહાસિક વિજયને પગલે સમગ્ર દેશમાં કેસરીયો માહોલ છવાયો છે. ગુજરાતમાં પણ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા.
ઉજવણી દરમિયાન તાપી ભાજપ સંગઠનના પ્રભારી ડો.જગદીશ પટેલે વિજયને વધાવતા જણાવ્યું હતું કે,પશ્ચિમ બંગાળમાં છેલ્લા દોઢ દાયકાથી ચાલી રહેલા તૃણમૂલ કોંગ્રેસના (TMC) કુશાસન, દાદાગીરી અને ગુંડાગીરીના શાસનનો આખરે અંત આવ્યો છે. અત્યાર સુધી બંગાળનો સામાન્ય મતદાર મતદાન કરતા ડર અનુભવતો હતો, પરંતુ આ વખતે જનતાએ નિર્ભય બની પરિવર્તન માટે મતદાન કર્યું છે. પરિણામે, રાજ્યમાંથી TMCનો સફાયો થયો છે અને જનતાના વિશ્વાસનો વિજય થયો છે.આ ઐતિહાસિક જીતનો આનંદ વ્યક્ત કરવા માટે તાપી જિલ્લાના વ્યારા ખાતે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી આકાશ ગજવી દીધું હતું. કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, હવે પશ્ચિમ બંગાળ પણ અન્ય ભાજપ શાસિત રાજ્યોની જેમ વિકાસના માર્ગે પૂરપાટ ઝડપે આગળ વધશે. આ વિજયને આગામી સમયમાં વિકાસના નવા યુગની શરૂઆત ગણાવવામાં આવી રહી છે.



