મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક્શન મોડમાં આવી છે. રાજ્યમાં ચાલી રહેલા ‘ખોરાક શુદ્ધિ અભિયાન’ અંતર્ગત આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં ભેળસેળ કરતા તત્વો સામે ‘Zero Tolerance’ની નીતિ અપનાવી સ્પેશિયલ ડ્રાઇવને વધુ વેગવાન બનાવવા આદેશ આપ્યા છે.
ભેળશેળિયા તત્વોને કડક ચેતવણી આપતા પ્રધાન પ્રફુલભાઈએ કહ્યું કે, જે કોઈ પણ લોકો એનાલોગ પ્રોડક્ટને પનીર તરીકે વેચીને નાગરિકો સાથે છેતરપિંડી કરશે, તેમને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ફૂડ બિઝનેસ ઓપરેટરો તાકીદે નિયમોનું પાલન શરૂ કરે, અન્યથા સરકાર તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરતા જરા પણ અચકાશે નહીં. રાજ્યમાં પનીરના નામે એનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોકવા માટે હાથ ધરાયેલી આ ડ્રાઇવ હેઠળ મેન્યુફેક્ચરિંગ યુનિટ, રેસ્ટોરન્ટ, ઢાબા અને હોકર્સ સહિત કુલ 4,193 જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન અંદાજિત રૂપિયા 01,83,240 મૂલ્ય ધરાવતો આશરે 1018 કિગ્રા શંકાસ્પદ પનીર/એનાલોગનો જથ્થો મળી આવતા તેને જપ્ત કરી, સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં, ગંભીર બેદરકારી બદલ 270 જેટલી એકમોને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત 118 જેટલા શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છે, જેના પરિણામ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.
તડકા અને ઉનાળાની સિઝનને ધ્યાને રાખીને જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ દ્વારા તપાસ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન શેરડીનો રસ, મેંગો જ્યુસ, આઈસ ગોલા અને તડબૂચના કુલ 1705 નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગંભીર ઉલ્લંઘન કરનાર 18 બેદરકાર એકમોને સીલ કરવામાં આવ્યાં હતાં. આ સાથે મહાનગરપાલિકાઓમાં નિયમોના ઉલ્લંઘન બદલ રૂપિયા 2.84 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે, માત્ર કાર્યવાહી જ નહીં, પરંતુ વેપારીઓમાં જાગૃતિ લાવવા માટે પણ સરકારે પ્રયાસો કર્યા છે. આ ડ્રાઇવ દરમિયાન 284 ટ્રેનિંગ પ્રોગ્રામ અને 255 અવેરનેસ કાર્યક્રમો યોજીને શુદ્ધ ખોરાકનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, એનાલોગ પનીરને અસલી પનીર કહીને વેચનારાઓ અને ભેળસેળ કરતા તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે તેવી આરોગ્ય પ્રધાને સ્પષ્ટ ચેતવણી આપી છે.



