બિહારના બાઢ જિલ્લાના પ્રસિદ્ધ ઉમાનાથ ગંગા ઘાટ પર આજે વહેલી સવારે એક મોટી અને દર્દનાક હોડી દુર્ઘટના સર્જાઈ છે. ઉમાનાથ ઘાટથી દિયારા વિસ્તાર તરફ જઈ રહેલી એક હોડી અચાનક ગંગા નદીમાં ડૂબી ગઈ હતી. આ હોડી પર કુલ 14 લોકો સવાર હતા, જેમાંથી અત્યાર સુધીમાં 7 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે 2 લોકોના મોત થયા છે અને તેમના મૃતદેહ પણ મળી આવ્યા છે. બાકીના 5 લાપતા લોકોની શોધખોળ માટે નદીમાં યુદ્ધના ધોરણે રેસ્કયૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે લોકો ખેતીકામ કે અન્ય કામ અર્થે ઉમાનાથ ગંગા ઘાટ પરથી હોડીમાં સવાર થઈને દિયારા વિસ્તાર તરફ જવા નીકળ્યા હતા. હોડી હજુ નદીની વચ્ચે પહોંચી જ હતી કે અચાનક સંતુલન બગડવાના કારણે તે પલટી ગઈ.
જોકે જોતજોતામાં હોડી પર સવાર તમામ 14 લોકો ગંગા નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને ઘાટ પર બુમરાણ મચી ગઈ હતી. નદી કિનારે હાજર કેટલાક લોકોએ તાત્કાલિક પાણીમાં કૂદીને 7 લોકોને તરત જ બહાર કાઢી લીધા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ બાઢના એસડીઓ ગરિમા લોહિયા અને એસડીપીઓ રામકૃષ્ણ ભારે પોલીસ કાફલા સાથે ઉમાનાથ ગંગા ઘાટ પર પહોંચી ગયા છે અને ત્યાં જ કેમ્પ કરીને રાહત કામગીરી પર નજર રાખી રહ્યા છે. સ્થાનિક ડાઇવર્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો નદીમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જેથી બાકીના 5 લોકોને વહેલી તકે શોધી શકાય. હાલમાં ગંગા ઘાટ પર સ્થાનિક લોકો અને પીડિતોના પરિવારોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે, અને પરિજનોનું રોઈ-રોઈને ખરાબ હાલત છે.




