લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તાપીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરીને મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આગામી ૭ મે ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે આ જાહેરનામા મુજબ, ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન તાપી જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગોમાં બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરેને ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે તા. ૦૫ મે, ૨૦૨૪ ના સાંજના ૬.૦૦ કલાક પછીથી તાત્કાલિક ધોરણે તાપી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગો છોડીને જતા રહેવું પડશે.
મતદાન પુર્ણ થવાના સમયની તુરંત પહેલાના ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ઘરે ઘર ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ નથી. પરંતુ આ સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ઘરરે ઘર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યક્તિ જઈ શકશે. વધુમાં ઉપર્યુક્ત પ્રતિબંધના સમય દરમિયાન પક્ષના કાર્યકરો/નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી, મફલર પહેરી શકશે પરંતુ તેઓને બેનર્સ પ્રદર્શિત કરવાની મંજુરી આપી શકાશે નહીં. ચૂંટણી આયોગની સુચના મુજબ ચુંટણી પુર્ણ થવાના ૪૮ કલાકના પહેલાના સમયગાળા દરમિયાન સ્ટાર પ્રચારકો તથા અન્ય રાજકીય નેતાઓ મીડિયા સમક્ષ ચૂંટણી સંબંધિત પ્રેસ કોન્ફરન્સ યોજી શકશે નહી કે ઇન્ટરવ્યુ આપી શકશે નહીં.
તાપી જિલ્લા પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ સાર્વજનિક સભાખંડો, હોટલ, રેસ્ટોરન્ટ, વીસી અને અતિથિગૃહોની ઘનિષ્ટ તપાસણી તથા મતદાર વિભાગની હદમાં તપાસ નાકા ઉભા કરવા અને બહારથી આવેલ કોઈ મતદાર વિભાગમાં રોકાયેલ નહી હોવાની ખાતરી કરવાની રહેશે. રાજકીય પક્ષના રાજ્યકક્ષાના ઇન્ચાર્જ પદાધિકારીઓએ રાજ્યના હેડ ક્વાર્ટ્સ ખાતે રોકાવાના હોય તે સ્થળ જાહેર કરવાનું રહેશે તથા સામાન્ય રીતે રહેઠાણ અને પક્ષના કાર્યાલય વચ્ચે આવન-જાવન કરી શકશે. આ હુકમ તા.૦૫/૦૫/૨૦૨૪ ના સાંજે ૬.૦૦ કલાકથી તા.૦૭/૦૫/૨૦૨૪ના સાંજે ૬.૦૦ કલાક સુધી તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.




