નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ, ૧૫મી ઓગષ્ટ-૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ વર્ષે ૧૫ મી ઓગષ્ટ પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નાંદોદ તાલુકાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ-રાજપીપલા ખાતે યોજાશે.
નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ ૧૫ મી ઓગસ્ટનો કાર્યક્રમ સુચારૂ અને આયોજનબદ્ધ રીતે ઉજવાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ વિભાગના અધિકારીઓને સોંપાયેલી જવાબદારી જોવા, કાર્યક્રમની વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તે બાબતે જરૂરી ચર્ચાઓ કરી હતી. ૧૫મી ઓગષ્ટના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ પરેડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવાના થાય છે, ત્યારે આ પર્વને નર્મદા જિલ્લાના નાગરિકો પણ ઉલ્લાસભેર ઉજવે અને રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બને તેવા પ્રયાસો કરવા સૌને અપીલ કરી હતી. જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે આયોજન અને વ્યવસ્થાનાં સુચારૂ સંચાલન, પોલીસ બંદોબસ્ત, સરકારી કચેરીઓ ખાતે રોશની કરવા જેવી તમામ કામગીરીની અંગે વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.




