વલસાડ એસ.ઓ.જી.ની ટીમે વાપી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ૨.૯૭૦ કિલો ગાંજાનાં જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડયો હતો. આમ, પોલીસે રૂપિયા ૧,૪૮,૫૦૦/-નાં ગાંજાનાં જથ્થા ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧,૭૮,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી મુજબ, રવિવાર નારોજ એસઓજીની ટીમ વાપીના ગીતાનગર પોલીસ ચોકી બહાર પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન રિક્ષા સ્ટેન્ડ પાસે એક શંકાસ્પદ યુવક ખભા ઉપર બેગ લઈને ઉભો જોવા મળતાં પોલીસે તેને કોર્ડન કરી પૂછપરછ કરી હતી. યુવકે પોતાનું નામ સંજય ઉર્ફે ડેવીલ આનંદ રત્નાકર નાયક (રહે.સુષ્ટિ એપાર્ટમેન્ટ, ગાંધીવાડી, પાવર હાઉસ, ઉમરગામ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બેગની તપાસ કરતાં સેલોટેપથી વીંટાળેલા ત્રણ પાર્સલ મળી આવ્યા હતા. પાર્સલમાં શું છે તે અંગે પૂછપરછ કરતાં સંજયે તેમાં ગાંજો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એફએસએલ અધિકારીની હાજરીમાં જથ્થાનું પરીક્ષણ કરાવ્યું હતું.
પ્રાથમિક પરીક્ષણમાં પદાર્થમાં કેનાબીસના સક્રિય ઘટકો હોવાની શક્યતા દર્શાવાઈ હતી. વજન કરતાં ત્રણેય પાર્સલમાંથી મળેલા ગાંજાનું ચોખ્ખું વજન ૨.૯૭૦ કિલો થયું હતું. પોલીસે તેની કિંમત રૂપિયા ૧,૪૮,૫૦૦/-ગણી ગાંજો કબજે કર્યો હતો. જોકે આરોપી પાસેથી વિઓ અને એપલ કંપનીના બે મોબાઈલ ફોન, ત્રણ ટ્રેનની ટિકિટ તથા ગાંજો લઈ જવા ઉપયોગમાં લેવાયેલી બેગ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
વધુ પૂછપરછ કરતાં સંજય નાયકે કબૂલ્યું કે, ગાંજાનો જથ્થો મુકુલ ગુપ્તા (રહે. ઉમરગામ)ના કહેવાથી ઓડિશાના સંભલપુર ખાતે રહેતા સમીર મલીક પાસેથી ટ્રેન મારફતે મેળવ્યો હતો સાથે જ ગાંજાના ત્રણ પાર્સલ બેગને ચાદર અને ધાબળા નીચે છુપાવી ટ્રેન મારફતે પરત આવી મુકુલ ગુપ્તાને આપવાના હોવાનું પણ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. આમ, પોલીસે ગાંજાના જથ્થા સહિત કુલ રૂપિયા ૧,૭૮,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરી સંજય ઉર્ફે ડેવીલ નાયકની ધરપકડ કરી હતી. જ્યારે મુકુલ ગુપ્તા અને સમીર મલીકને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.(સૌજન્ય)




