Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આણંદ જિલ્લામાં ત્રણ દિવસથી ભારે વરસાદ અને પવનના લીધે કુલ 191 વૃક્ષો ધરાશાયી થયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદ જિલ્લામાં ત્રણ દિવસથી ભારે વરસાદ અને પવનના લીધે કુલ 191 વૃક્ષો ધરાશાયી થયા છે. જે પૈકી 1274 જેટલી ડાળખીઓ ધરાશાયી થતાં બે દિવસથી જિલ્લાના 87થી વધુ ગામડાઓમાં અંધારપટ છવાયો હતો. જે અંગે એમજીવીસીએલ તંત્રએ ડાળખીઓ કાપી 50 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત કર્યો હતો.હજૂ પણ અંદાજે 40 જેટલા ગામોમાં વીજળી ગૂલ હોવાથી ગાંધીનગરથી 10 સ્પેશિયલ ટીમો આણંદ જિલ્લા ખાતે બોલાવવામાં આવી છે. બુધવારે સાંજે ટીમોના આવ્યા બાદ વીજ પુરવઠો પુર્વવત થશે તેમ જાણવા મળ્યું છે.જ્યારે વહીવટી તંત્ર દ્વારા ધરાશાયી થયેલા તમામ વૃક્ષોને દૂર કરી રસ્તા પરનો વાહનવ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો.

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાના ૬૦થી વધુ ગામોના મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા છે. જેને કારણે મોટાભાગની એસટી બસોના રૂટો બંધ કરાયા છે, જ્યારે કેટલાક રૂટ ડાયવર્ટ કરાયા છે. જેને લઈ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે ભારે પવન સાથે વરસાદ વરસતા જિલ્લામાં બાવળ, ગુલમહોર, સમડી સહિતના 191 વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાંથી 1274 જેટલી ડાળખીઓ ઉખડીને વીજ વાયર અને વીજ પોલ ઉપર પડતાં બે દિવસથી જિલ્લાના 87થી વધુ ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો હતો.

આ અંગે આણંદ જિલ્લાના એમજીવીસીએલના અધિક્ષક ઈજનેર એચ. કે. વસાવાએ જણાવ્યું હતું કે, બે દિવસમાં ૫૦થી વધુ ગામડાઓમાં વિવિધ ટીમોએ કામગીરી કરી વીજ પુરવઠો પુર્વવત કર્યો છે. જ્યારે હજૂ જિલ્લાના અંદાજિત ૪૦ ગામડાઓમાં ટેકનિકલ કારણોસર વીજ પુરવઠો શરૂ કરી શકાયો નથી. વધુમાં મંગળવારે મંત્રીએ મુલાકાત લીધા બાદ ગાંધીનગરથી 10 સ્પેશિયલ ટીમોને આણંદ જિલ્લામાં બોલાવવામાં આવી છે. ટીમો બુધવારે સાંજ સુધીમાં જિલ્લામાં આવી જશે અને બાકી રહેલા ગામડાઓનો વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા તાત્કાલિક કામગીરી શરૂ કરશે તેમ ઉમેર્યું હતું. ઉપરાંત એમજીવીસીએલ દ્વારા ડાળખીઓ કાપીને, વાયર જોડી દઈ વીજ પુરવઠો પુર્વવત કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.