એક અઠવાડિયા પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ થયા બાદ પરિણીત જિમ સંચાલકે એક સંતાનની માતાને મળવા માટે બોલાવી હોટલમાં બળાત્કાર ગુજારતાં પરિણીતાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા મુજબ,પીડિતાનો એક સપ્તાહ પહેલાં જ સાગર મકવાણા સાથે સોશ્યલ મીડિયા પર પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મોબાઇલ પર વાતચીત થઇ હતી અને સાગરે પરિણીતાને મળવા માટે બોલાવી હતી.
ગુરૂવારે સાંજે હરણી તળાવ પર મુલાકાત થયા બાદ સાગરે ક્યાંક શાંતિથી બેસીને વાતચીત કરીશું તેમ કહી પોતાના એક્ટિવા પર પીડિતાને ગોલ્ડન ચોકડી પાસે આવેલી સાંઇ શ્રધ્ધા હોટલના રૂમ નંબર 202માં લઇ ગયો હતો. સાગરે પીડિતાને નાનુ ચપ્પુ બતાવી ધમકાવી હતી અને બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. 
એક સપ્તાહ પહેલાં જિમ સંચાલક સાગરે મુકેલી રીલને લાઇક કરનાર પરિણીતાને સાગરે સામેથી સંપર્ક કરીને ફસાવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે,સાગરે મૂકેલી રીલને પીડિતાએ લાઇક કરતાં સાગરે તેનો મોબાઇલ નંબર માંગ્યો હતો.પરંતુ પરિણીતાએ નંબર આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ સાગરે પોતાનો મોબાઇલ નંબર આપી વાતચીત કરી પરિણીતાને વાતોમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો. હરણી પોલીસે હોટલમાંથી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા મેળવવા તજવીજ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે,એક સપ્તાહ પહેલાં સાગરે પરિણીતા સાથે વાતચીત કરવાનો આગ્રહ રાખ્યા બાદ પહેલી મુલાકાત કરી હતી.પરંતુ તેમાં પરિણીતાને કોઇ પણ પ્રકારની શંકા ના થાય તેની સાવચેતી રાખી હતી. ત્યારબાદ બીજી મુલાકાતમાં સીધી હોટલમાં લઇ ગયો હતો.



