નિઝર-ઉચ્છલ રોડ પર આવેલા ગામડી ગામના બસ સ્ટેન્ડ પાસે શુક્રવારે રાત્રે બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પુરપાટ ઝડપે આવતી પલ્સર બાઈકે સામેથી આવતી પેશન પ્રો બાઈકને અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, રૂમકી તળાવ ગામના શ્રાવણભાઈ વસાવા, સંદીપભાઈ વસાવા અને વિનુભાઈ વળવી હીરો પેશન પ્રો બાઈક નંબર GJ-26-F-7476 પર મજૂરી કામ પતાવીને પરત ફરી રહ્યા હતા. રાત્રિના સુમારે ગામડી ગામના બસ સ્ટોપ પાસે સામેથી આવતી બજાજ પલ્સર નંબર GJ-26-AC-6275 ના ચાલક ઋષિકેશ વળવીએ પોતાની બાઈક ગફલતભરી રીતે હંકારી પેશન પ્રો સાથે ધડાકાભેર અકસ્માત કર્યો હતો.
આ ટક્કર એટલી ભીષણ હતી કે પેશન પ્રો પર સવાર શ્રાવણભાઈ વસાવા (25) અને સંદીપભાઈ વસાવા (26) ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર પલ્સર ચાલક ઋષિકેશ વળવી (20) ને પણ ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. અન્ય એક ઈજાગ્રસ્ત વિનુભાઈ વળવીને વધુ સારવાર માટે નંદુરબાર રિફર કરવામાં આવ્યા છે.મૃતક શ્રાવણભાઈના ભાઈ લક્ષ્મણભાઈ વસાવાએ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.




