વ્યારામાં રવિવારના રોજ મુસા ગામની સીમમાં શ્યામ વાટીકા સોસાયટી સામે રસ્તો ક્રોસ કરી રહેલા 5 વર્ષના બાળકને પૂરઝડપે આવતા એક અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
વિગતો અનુસાર મૂળ સોનગઢના ધમોડી ગામના રહેવાસી સુમીએલભાઈ ગામીત તેમની પત્નીની સારવાર કરાવી પરિવાર સાથે મુસા ગામ ખાતે સાસરીમાં ગયા હતા. બપોરે આશરે 1:15 વાગ્યાના સુમારે તેમનો 5 વર્ષનો પુત્ર લિયોન તેની 9 વર્ષની મોટી બહેન લીઝા સાથે રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી લિયોનને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત સર્જી બાઇક સવાર પોતાનું વાહન લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા લિયોનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.આ મામલે મૃતક બાળકના પિતા સુમીએલભાઈએ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



