Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પલસાણા: જાહેરમાં પેશાબ કરવાની ના પાડતા પાડોશી પિતા-પુત્રનો મહિલા અને પરિવાર પર લાકડીથી હુમલો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પલસાણા તાલુકાના તુંડી ગામે આવેલી એક સોસાયટીમાં જાહેરમાં પેશાબ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પાડોશમાં રહેતા પિતા-પુત્રએ એક મહિલા, તેના સંતાનો અને મહેમાન પર લાકડીઓ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, તુંડી ગામની રાહી લકઝરીયા રો-હાઉસ સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન પારેખના ઘરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં પાડોશી યુવક સુરજ મદનમોહન પાંડે પેશાબ કરતો હતો. ઘરમાં મહેમાનો અને દીકરીઓ હાજર હોવાથી લક્ષ્મીબેને તેને જાહેરમાં પેશાબ કરવાની ના પાડી હતી. આ વાતથી ઉશ્કેરાઈને સુરજ પાંડે ગાળો આપવા લાગ્યો હતો અને દોડીને પોતાના ઘરેથી લાકડી લઈ આવ્યો હતો.

હુમલા દરમિયાન સુરજના પિતા મદનમોહન વિજ્યશંકર પાંડે પણ લાકડી લઈને ધસી આવ્યા હતા. બંનેએ મળીને લક્ષ્મીબેનને લાકડીના ફટકા માર્યા હતા. જ્યારે તેમને બચાવવા તેમનો 18 વર્ષનો પુત્ર ચંદ્રેશ, 16 વર્ષની પુત્રી અનશીકા અને ઘરે મહેમાન તરીકે આવેલી ભાણી અવન્તીકા વચ્ચે પડ્યા, ત્યારે આરોપીઓએ તેઓને પણ લાકડીઓ વડે બેરહેમ માર માર્યો હતો. હુમલા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત પુત્ર ચંદ્રેશને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પલસાણા પોલીસે લક્ષ્મીબેનની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.