Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વ્યારા નગર પાલિકા : બિનહરીફ બેઠકો સાથે બીજેપીનો દબદબો, આજે મતગણતરીમાં સત્તાનું ચિત્ર સ્પષ્ટ થવાનું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લાના વ્યારા નગર પાલિકાની 2026ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આ વખતે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કુલ 28 બેઠકો ધરાવતી વ્યારા નગર પાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તમામની નજર આજે યોજાનારી મતગણતરી પર કેન્દ્રિત થઈ છે. બપોર સુધીમાં પરિણામો સ્પષ્ટ થવાની શક્યતા હોવાથી રાજકીય પક્ષો તથા ઉમેદવારોમાં ઉત્સુકતા વધેલી જોવા મળી રહી છે.

આ ચૂંટણીમાં શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. વોર્ડ નંબર 5 અને 7ની તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે વોર્ડ નંબર 2માં પણ એક બેઠક પર કોઈ વિરોધી ઉમેદવાર ન હોવાથી તે બેઠક પણ બિનહરીફ રહી છે. ખાસ વાત એ છે કે આ તમામ બિનહરીફ બેઠકો પર બીજેપીના ઉમેદવારો વિજેતા બન્યા છે, જેના કારણે મતગણતરી પહેલા જ પાર્ટીને નોંધપાત્ર લીડ મળી ગઈ છે. બાકીની બેઠકો માટે કુલ 43 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં બીજેપીના 19 ઉમેદવારો, કોંગ્રેસના 16 ઉમેદવારો, આમ આદમી પાર્ટી (આપ)ના 6 ઉમેદવારો અને 2 અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. દરેક પક્ષે પોતાની જીત માટે જોરદાર પ્રચાર કર્યો હતો, છતાં મતદારોનો અંતિમ નિર્ણય આજે મતગણતરીમાં બહાર આવશે.

સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મત અનુસાર, વ્યારા નગર પાલિકા પર ફરી એકવાર બીજેપીનો કબ્જો રહે તેવી સંભાવનાઓ મજબૂત બની રહી છે.તેનું મુખ્ય કારણ બિનહરીફ બેઠકોમાં મળેલી શરૂઆતની જીત તેમજ સંગઠન સ્તરે પાર્ટીની મજબૂત તૈયારી માનવામાં આવે છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી માટે આ ચૂંટણી પડકારજનક બની રહી છે.સ્થાનિક સ્તરે કોંગ્રેસના મોટા નેતાઓ દ્વારા પૂરતું માર્ગદર્શન અને સક્રિયતા ન દાખવાતા કાર્યકરોમાં નિરાશા જોવા મળી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.આમ આદમી પાર્ટી (આપ)એ પણ આ વખતે પોતાની હાજરી નોંધાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ મુખ્ય મુકાબલો બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જ જોવા મળી રહ્યો છે. અપક્ષ ઉમેદવારો પણ કેટલાક વિસ્તારોમાં પરિણામોને અસર કરી શકે તેવી સંભાવના છે.

હાલમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે ગણતરી ચાલી રહી છે. દરેક રાઉન્ડ પછી પરિણામો જાહેર થતા રાજકીય હલચલ વધુ તેજ બનવાની સંભાવના છે. બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે વ્યારા નગર પાલિકામાં કઈ પાર્ટી બહુમતી મેળવી સત્તા સ્થાપિત કરશે.આ ચૂંટણીના પરિણામો માત્ર સ્થાનિક રાજકારણ માટે જ નહીં, પરંતુ જિલ્લા સ્તરે રાજકીય સમીકરણો પર પણ અસરકારક સાબિત થશે. તેથી તમામ પક્ષો માટે આ પરિણામ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

વ્યારા નગર પાલિકાના સાતેય વોર્ડમાં થયેલ મતદાન પર એક નજર કરીએ :

  1. વોર્ડ નંબર- 1 માં કુલ 3968 પૈકી 3066 મતદાન ( 77.27 % ) નોંધાયું
  2. વોર્ડ નંબર- 2 માં કુલ 4212 પૈકી 3059 મતદાન ( 74.39 % ) નોંધાયું
  3. વોર્ડ નંબર- 3 માં કુલ 4781 પૈકી 3340 મતદાન ( 69.86 % ) નોંધાયું
  4. વોર્ડ નંબર- 4 માં કુલ 4358 પૈકી 2918 મતદાન ( 66.96 % ) નોંધાયું
  5. વોર્ડ નંબર- 5 બિનહરીફ જાહેર થઈ
  6. વોર્ડ નંબર- 6 માં કુલ 4424 પૈકી 3249 મતદાન ( 73.44 % ) નોંધાયું
  7. વોર્ડ નંબર- 7 બિનહરીફ જાહેર થઈ