વેકેશનમાં કાશ્મીર ફરવા ગયેલ અમદાવાદના પરિવારો પર દુ:ખનો પહાડ તૂટયો છે. અનંતનાગ જિલ્લાના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ નજીક પ્રવાસીઓની એક ટવેરા કાર અચાનક રોડ પરથી સરકીને અંદાજે 15 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં અમદાવાદના બે પ્રવાસીઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બે દંપતીઓ ખંડિત થયા છે.. માધાયો દ્વારા મળતી માહિતી અનુસાર, અમદાવાદના નવા વાડજ ઘાટલોડિયા અને આસપાસના વિસ્તારના દંપતીઓ સહિતના પ્રવાસીઓની એક ટીમ કાશ્મીર પ્રવાસે ગઈ હતી. 
તે પહેલાં જ શનિવારે સાંજના સમયે પરિવારના સભ્યો ચાર ટવેરા કાર બંધાવીને પહેલગામ ખાતે સાઈટસીન માટે નીકળ્યા હતા. આ દરમિયાન પહેલગામ-અરૂ રૂટ પરથી પસાર થતી વખતે ચાર પૈકીની એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પંદરેક ફૂટ ઊંડી ખાઈમાં જઈ પડી હતી. આ ગંભીર અકસ્માતમાં ટવેરા કારમાં સવાર બે અલગ-અલગ પરિવારના સભ્યો ભોગ બન્યા છે. ઘાટલોડિયાના કે.કે. નગર રોડ પર આવેલા વાસુકાનન ટાવરમાં રહેતા ભાવિનભાઈ ભાવસારનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની અવનીબહેનને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
સદનસીબે તેમની સાથે રહેલા 12 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે. ભીમજીપુરાના વિરનગરમાં રહેતા નયનાબહેન ભાવસારનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે. જ્યારે તેમના પતિ અશોકભાઈ ભાવસાર ગંભીર રીતે ઘાયલ થતાં શ્રીનગરની હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અકસ્માતમાં ટવેરા કારના સ્થાનિક ચાલકને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં જ અમદાવાદમાં રહેતા સ્નેહીજનો અને સગા-સંબંધીઓમાં ભારે આઘાત પહોંચ્યો હતો. કાશ્મીરના સ્થાનિક વહીવટી તંત્રની મદદથી મૃતકોના પાર્થિવ દેહને અને ઇજાગ્રસ્તોને પરત અમદાવાદ લાવવા માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી.



