વલસાડ જિલ્લાનાં પારડી પોલીસ મથકમાં એક ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી ભગાડી જવા મામલે યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, પારડીના કંસારવાડ સ્થિત એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની ૧૭ વર્ષીય પુત્રી ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. તારીખ ૧૨ જૂન નારોજ સાંજે વિદ્યાર્થિનીએ પોતાની બહેનપણી સાથે બહાર જમવા જવાનું હોવાનું કહી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ માતાએ સોશિયલ મીડિયા પર એક યુવક દ્વારા મૂકાયેલી પોસ્ટમાં પોતાની પુત્રીને ટેગ કરાયેલી જોયા બાદ શંકા વ્યક્ત કરી હતી.
જોકે પુત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણીએ ફોન કટ કરી દીધો હતો અને ત્યારબાદ ફોન ઉપાડયો નહોતો. પરિવારજનોએ પુત્રીની બહેનપણી તથા અન્ય સ્થળોએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન યુવતીએ અન્ય મોબાઇલ નંબર પરથી ફોન કરીને દમણીઝાંપા વિસ્તારમાં હોવાની માહિતી આપી હતી. માતાએ તેને તાત્કાલિક ઘરે આવવા જણાવ્યું હતું, છતાં તે ઘરે પરત ફરી નહોતી. પરિવારે પારડી અને આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ વિદ્યાર્થિનીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. તપાસ દરમિયાન વલસાડના તીથલ રોડ વિસ્તારમાં રહેતા રાદીપ રાકેશ વસાવા નામના યુવક સાથે યુવતી ગઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ મામલે માતાની ફરિયાદના આધારે પારડી પોલીસે યુવક વિરુદ્ધ સગીરાને ભગાડી જવાના ગુનામાં કેસ નોંધ્યો હતો. પોલીસ દ્વારા ગુન્હાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ સગીર વિદ્યાર્થિનીની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.




