ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં કંબોડિયા ગામ નજીક એક કારે બાઈકને અડફેટમાં લેતા બાઇક પાછળ બેઠેલ વૃધ્ધાનું ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું ,જ્યારે બાઇક ચાલક વૃધ્ધાના પુત્રને ગંભીર ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતા. મળતી માહિતી મુજબ, નેત્રંગ તાલુકાના ઝરણા ગામે રહેતા ૫૫ વર્ષીય જયંતીભાઈ રામસીંગભાઈ વસાવાના માતા લક્ષ્મીબેન વસાવાને આંખનું ઓપરેશન કરાવેલ હોઈ તારીખ ૧૫ જૂનના રોજ સવારના સમયે જયંતીભાઈ બાઈક પર લક્ષ્મીબેનને બેસાડીને નેત્રંગ સરકારી દવાખાને આંખની તપાસ કરાવવા માટે ગયા હતા. ત્યારબાદ સરકારી દવાખાનાનું કામ પતાવ્યા બાદ આ લોકો ઘરે પાછા ફરતા હતા.
તે દરમિયાન બપોરના અરસામાં કંબોડિયા ગામ નજીક મોટા પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પુલની મધ્યમાં આવતા પાછળથી આવતી એક ફોર વ્હિલ ગાડીના ચાલકે તેમની બાઈકને ટક્કર મારતા બાઈક સવાર માતા પુત્ર નીચે પડી ગયા હતા. અકસ્માત બાદ અજાણ્યો ફોર વ્હિલ ચાલક તેનું વાહન લઈને સ્થળ ઉપરથી નાશી ગયો હતો જેથી ફોર વ્હિલ ગાડીનો નંબર જાણી શકાયો નહતો. અકસ્માતની આ ઘટના બાદ ગંભીર રીતે જખ્મી થયેલ લક્ષ્મીબેન વસાવાનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જયારે જયંતીભાઈ અને લક્ષ્મીબેનને એમ્બ્યુલન્સમાં નેત્રંગ સરકારી જવાયા દવાખાને લઈ હતા જ્યાં ફરજ પરના તબીબે લક્ષ્મીબેનને મૃત જાહેર કર્યા હતા.




