દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે આવેલા બે શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. સત્તાવાર માહિતી મુજબ ગુરુવાર સુધીમાં 188 લોકોનાં મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો હજુ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. આ ભૂકંપના આંચકા બ્રાઝિલના એમેઝોન વિસ્તાર સુધી અનુભવાયા હતા.
બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સ્થાનિક ટીમો ઉપરાંત અનેક દેશોએ ડ્રોન, સ્નિફર ડોગ્સ, તબીબી સામગ્રી અને રાહત ટીમો મોકલી છે. રાહત કામગીરી સરળ બને તે માટે યુનાઈટેડ સ્ટેટ્એ વેનેઝુએલા પરના કેટલાક આર્થિક પ્રતિબંધોમાં અસ્થાયી રાહત આપવાની જાહેરાત કરી છે.
ભૂકંપ બાદ La Guairaને ડિઝાસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું છે. Caracasમાં મેટ્રો સેવા, ગેસ સપ્લાય અને શાળાઓ બંધ રાખવામાં આવી છે, જ્યારે શાળાઓને આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઓછી ઊંડાઈએ આવેલા બે સળંગ ભૂકંપના કારણે વિનાશનું પ્રમાણ વધુ રહ્યું.




